અમદાવાદ, તા.૯
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧૬ અને ૧૭ જુલાઈના રોજ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમ્યાન તેઓ સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ ભાવનગર, જૂનાગઢ અને અમરેલીમાં વિવિધ સ્થળોની મુલાકાત લે તેવી શક્યતા છે. ઉપરાંત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોળી આગેવાન કનુભાઈ કલસરિયા પણ રાહુલ ગાંધીના ભાવનગર પ્રવાસ દરમ્યાન કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.
રાહુલ ગાંધીનો બે દિવસનો પ્રવાસ સૌરાષ્ટ્રલક્ષી રહેશે. જેમાં તેઓ ભાવનગર, જૂનાગઢ અને અમરેલી પ્રવાસ કરશે. જો કે રાહુલ ગાંધીના પ્રવાસને આખરી ઓપ આપવાનું બાકી છે. પરંતુ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેઓ ભાવનગર જિલ્લામાં બે સ્થળે મુલાકાત લઈ શકે છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડ અને મેથળા બંધારાની મુલાકાત લઈ શકે છે. ઉપરાંત રાહુલ ગાંધી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં નવા વરાયેલા પદાધિકારીઓ સાથે સંવાદ કરશે. બીજો સંવાદ રાહુલ ગાંધી જનમિત્રો અને ધારાસભ્યો સાથે કરશે. આમ લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકીને કોંગ્રેસને મજબૂત કરવાનો પ્રયાસ કરશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત કોંગ્રેસ મોવડી મંડળ તરફથી એવી વાત વહેતી કરવામાં આવી હતી કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદમાં યોજાનારી રથયાત્રામાં સામેલ થશે. પરંતુ રાહુલ ગાંધીના નવા કાર્યક્રમ અનુસાર તેઓ રથયાત્રા બાદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તે પણ અમદાવાદ નહીં પરંતુ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે.