(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
લોકસભા ચૂંટણી ૨૦૧૯ના ઉત્સાહ વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ઇન્ટરવ્યૂમાં રવિશ કુમારને જણાવ્યું છે કે, જે વિચારધારા દેશમાં નફરત ફેલાવી રહી છે અને બંધારણ પર આક્રમણ કરી રહી છે તેની સામે અમારી લડાઇ છે. આ આરએસએસની વિચારધારા છે કે દેશને એક સંગઠને ચલાવવું જોઇએ તેની સામે અમારી લડાઇ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ફક્ત કોંગ્રેસને જ નહીં પણ દેશની જનતાને પણ લાગે છે કે, તેમની લડાઇ આરએસએસ-ભાજપ સામે છે. હું જ્યાં જાઉં છું ત્યાં આ વાત સામે આવે છે, યુવા-મજૂર ખેડૂતો તમામ લોકો પરેશાન છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં જે પણ થયું તે પ્રેમની ભાવનાને કારણે થયું. હું પીએમ મોદી સાથે ઘણા અંગત કાર્યક્રમોમાં મળું છું પણ તેઓ યોગ્ય રીતે પ્રતિક્રિયા આપતા નથી. તેઓ મારા અને મારા પરિવાર પ્રત્યે વ્યક્તિગત વેર ધરાવે છે અને તેમને ઉખેડી ફેંકવાની જરૂર છે. મોદી મારા પિતા, મારા દાદી અને મારા પરદાદા વિશે નફરત અને ગુસ્સા સાથે બોલે છે પણ હું તેમની પાસે ગયો અને તેમને ઝપ્પી આપી. તમે વડાપ્રધાન છો અને તમારે નફરત કાઢી નાખવી જોઇએ તથા પ્રેમ સાથે કામ કરવું જોઇએ. તેમને ખબર પડવી જોઇએ કે નફરતને ફક્ત પ્રેમ દ્વારા જ મિટાવી શકાય છે. કોંગ્રેસના ચુંટણી વાયદા ‘ન્યાય’ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, લોકોની ખરીદ શક્તિ વધતા આ યોજના દેશના અર્થતંત્રમાં ઉછાળો લાવશે. તેમણે એમ પણ કહ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ૨૨ લાખ સરકારી નોકરીઓ પૂરી પાડશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહના ભાઇ સહિતના ખેડૂતોની લોન કોંગ્રેસ સરકારમાં માફ કરી દેવાઇ છે. રાહુલ ગાંધી દ્વારા વિધાનસભા ચૂંટણીઓ પહેલા ખેડૂતોની લોન માફ કરવાનો વાયદો કરાયો હતો.