(એજન્સી) નીમચ, તા. ૧૪
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના એ દાવા સામે જોરદાર ટોણો માર્યો છે જેમાં કહેવાયું છે કે, બાલાકોટ એર સ્ટ્રાઇક દરમિયાન પાકિસ્તાની રડારથી બચવા માટે આઇએએફ વિમાનોને વાદળોના આવરણની મદદ મળી હતી. મોદીએ દાવો કર્યો હતો કે, વાયુસેનાના લોકો બેઠા હતા, બાલાકોટ હુમલાની વાત ચાલી રહી હતી, વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે બમિંગ કરવું છે, તેઓ મારી(મોદી) પાસે આવ્યા અને કહ્યું કે, હવામાન ખરાબ છે ત્યારે મોદી પોતાના અધિકારીઓને કહે છે કે, આનાથી ફાયદો થશે. વાદળોમાં, આંધી તોફાનમાં રડાર વિમાનને જોઇ નહીં શકે.’ મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણીના ચોથા તથા અંતિમ તબક્કાના મતદાન પહેલા એક સભાને સંબોધતા રાહુલ ગાંધીએ એવું પણ પુછ્યું હતું કે, નોકરી વિનાના યુવાનો માટે મોદીએ શું કર્યું છે. રાહુલ ગાંધીએ પુછ્યું હતું કે, ‘‘શું મોદીજી જ્યારે ભારતમાં વરસાદ પડે છે તો રડાર પરથી તમામ વિમાનો અને જહાજો ગાયબ થઇ જાય છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ મોદી દ્વારા અક્ષય કુમારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓ બાળપણમાં કેરીને કેટલી પસંદ કરતા હતા અને હજુ પણ તેને કેરી બહુ ભાવે છે તે અંગે કરેલા ખુલાસાનો હવાલો આપતા પુછ્યું હતું કે, ‘‘મોદીજી તમે અમને કરી કેવી રીતે ખાવી તે શીખવાડી દીધું હવે દેશને એ તો કહો કે તમે નોકરીવિનના યુવાનો માટે શું કર્યું.
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની પ્રસ્તાવિત લઘુતમ આવક યોજનાથી અર્થતંત્રમાં ઉર્જા આવશે અને જીએસટી તથા નોટબંધીમાં કરાયેલા અન્યાયને બરોબર કરશે. નોટબંધી અને જીએસટીના ખોટા અમલીકરણના શોરબકોરમાં અર્થતંત્ર પડી ભાંગ્યું. જે પરિવારોની માસિક આવક ૧૨,૦૦૦થી ઓછી છે તેવા પાંચ કરોડ પરિવારોને ન્યાય યોજનાનો લાભ મળશે. આનો અર્થ એ થયો કે, તેમના ખાતામાં વર્ષે ૭૨,૦૦૦ રૂપિયા અને પાંચ વર્ષમાં ૩.૬૦ લાખ રૂપિયા જમા થશે. ન્યાયને કારણે લોકો ફરી ખરીદી શરૂ કરશે અને નાના તથા મધ્યમ વેપારી ફરી ઉત્પાદન શરૂ કરશે જેના પરિણામે રોજગારીની તકો બહાર આવશે. ન્યાય એક વિકલ્પ નહીં પણ જરૂરિયાત છે. અનિલ અંબાણી અને નીરવ મોદી જેવા ઉદ્યોગપતિઓ પાસેથી ન્યાય યોજના માટે નાણા આવશે. કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું કે, તેમની પાર્ટીના ઢંઢેરામાં યુવાનો માટે સ્વરોજગારની તકો ઉભી કરવાની વાત કરાઇ છે. રાહુલ ગાંધીએ અર્ધલશ્કરી જવાનોની શહાદત આપ્યા બાદ પણ શહીદનો દરજ્જો નહીં મળવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને વાયદો કર્યો હતો કે તેમની સરકાર બનશે તો અર્ધલશ્કરી જવાનોને પણ શહીદનો દરજ્જો આપવામાં આવશે. મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફી અંગે ભાજપના અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા ઉઠાવાયેલા સવાલો અંગે રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૌહાણના ભાઇ અને સગાવહાલાઓના લોનમાફીની અરજીઓ દેખાડી જવાબ આપ્યો હતો તેમણે કહ્યું કે, આ અરજીઓ ચૌહાણના ભાઇ અને સગાઓની છે જે લોનમાફી માટે અપાયા છે. આ દરમિયાન મુખ્યમંત્રી કમલનાથ અને છત્તીસગઢના મુખ્યંમત્રી ભૂપેશ બઘેલ પણ હાજર હતા જેમણે પાંચ મહિનાની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી અને મોદી સરકારની ટીકાઓ કરી હતી.