(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું હતું કે તેઓ હવે પાર્ટીના અધ્યક્ષ નથી અને સાથે જ કહ્યું કે, કોંગ્રેસે તેમના અનુગામી અંગે નિર્ણય લેવો જ પડશે. અહેવાલો અનુસાર રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘‘પાર્ટીએ કોઇપણ વધુ વિલંબ વિના નવા પાર્ટી અધ્યક્ષ અંગે નિર્ણય લઇ લેવો જોઇએ. મેં પહેલા જ મારૂં રાજીનામું સોંપી દીધું છે અને હવે હું પાર્ટી અધ્યક્ષ નથી. કોંગ્રેસ કારોબારી સમિતીએ વહેલામાં વહેલી તકે બેઠક બોલાવવી જોઇએ અને નક્કી કરવું જોઇએ.’’ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ તરીકે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં નુકસાન માટે હું જવાબદાર છું. અમારી પાર્ટીના ભવિષ્યના વિકાસ માટે જવાબદારી મહત્વપૂર્ણ બાબત છે. આજ કારણ છે કે, મેં કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામાના તરત બાદ મારા સહયોગીઓની મારી સલાહ છે કે, આગામી અધ્યક્ષનો નિર્ણય વહેલો કરવામાં આવે. મેં આની પરવાનગી આપી છે અને સંપૂર્ણ સમર્થન કરવા માટે હું પ્રતિબદ્ધ છું.
ટિ્‌વટર પર ચાર પાનના પત્રમાં પોતાની વાત ચાલુ રાખતા તેમણે જણાવ્યું કે, ‘‘રાજકીય સત્તા માટે મારી લડાઇ ક્યારેય સામાન્ય નથી રહી. ભાજપ પ્રત્યે મને કોઇ ગુસ્સો કે નફરત નથી પણ મારા શરીરનો દરેક ભાગ તેમના વિચારોનો વિરોધ કરે છે. આ આજની લડાઇ નથી. આ લડાઇ વર્ષોથી ચાલી આવી છે. તેઓ ભિન્નતા જુએ છે અને હું સમાનતા જોવું છું. તેઓ નફરત જુએ છે અને હું પ્રેમ જોવું છું. તેઓ ભય જુએ છે અને હું ભેટવાનું જોવું છું. તેમણે કહ્યું કે, હું કોઇપણ રીતે આ યુદ્ધથી પાછળ હટવા માગતો નથી. હું કોંગ્રેસ પાર્ટીનો સાચો સિપાહી અને ભારતને સમર્પિત પુત્ર છું. હું મારા અંતિમ શ્વાસ સુધી તેની સેવા અને રક્ષા કરતો રહીશ. રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, અમે મજબૂત અને સન્માનપૂર્વક ચૂંટણી લડી. અમારૂં ચૂંટણી અભિયાન ભાઇચારો, સહિષ્ણુતા અને દેશના તમામ લોકો, ધર્મો અને સંપ્રદાયોનું સન્માન કરવાનું હતું. મેં વ્યક્તિગત રીતે પીએમ અને આરએસએસ વિરૂદ્ધ લડાઇ કરી. મેં આ લડાઇ એ માટે લડી કેમ કે, હું ભારતને પ્રેમ કરૂં છું અને હું ભારતના આદર્શો માટે લડ્યો. મેં મારી પાર્ટી અને નેતાઓ પાસેથી ઘણું બધું શીખ્યું છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, એક સ્વતંત્ર ચૂંંટણી માટે તમામ સંસ્થાનોનું નિષ્પક્ષ હોવું જરૂરી છે. કોઇપણ ચૂંટણી મુક્ત પ્રેસ, સ્વતંત્ર ન્યાયપાલિકા અને અને પારદર્શી ચૂંટણી પંચ વિના નિષ્પક્ષ ના થઇ શકે. અને કોઇ એક પાર્ટીનું નાણાકીય સંસ્થાનો પર વર્ચસ્વ હોય તો પણ ચૂંટણી નિષ્પક્ષ ના થઇ શકે. અમે ૨૦૧૯માં કોઇ એક પાર્ટી વિરૂદ્ધ ચૂંટણી નથી લડી પણ અમે વિપક્ષ વિરૂદ્ધ કામ કરતા દરેક સંસ્થાન અને સરકારની મશીનરી વિરૂદ્ધ ચૂંટણી લડી છે. આ બધું હવે સ્પષ્ટ થઇ ગયું છે કે, આપણા સંસ્થાનોની નિષ્પક્ષતા હવે બાકી રહી નથી. દેશના સંસ્થાનો પર કબજો કરવાનું આરએસએસનું સપનું હવે સાકાર થઇ ગયું છે. આપણા દેશનું લોકતંત્ર હવે નબળું થઇ ગયું છે. આ દેશ માટે સૌથી મોટો ખતરો છે. તેમણે કહ્યું કે, આ સત્તાધિકારનું પરિણમ એ આવશે કે, હિંસાનું સ્તર ઘણું ઊંચુ જશે અને ફક્ત દુઃખ રહેશે. ખેડૂતો, બેરોજગાર યુવાઓ, મહિલાઓ, આદિવાસીઓ, દલિતો અને લઘુમતીઓને સૌથી વધુ ભોગવવું પડશે. દેશની અર્થવ્યવસ્થા પર પ્રભાવ અને દેશના સન્માન સાથે સમજૂતી થશે. પીએમ મોદીની જીતનો અર્થ એ નથી કે તેમના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો ધોવાઇ ગયા છે. નાણા અને જુઠની તાકાતથી સચ્ચાઇના અજવાળાને નબળો કરી શકાય નહીં. રાહુલે કહ્યું કે, પાર્ટીએ મોટી સિદ્ધી હાંસલ કરવા માટે મોટા પરિવર્તન કરવા પડશે. આજે ભાજપ સંપૂર્ણ પ્રક્રિયા અંતર્ગત ભારતના લોકોનો અવાજ દબાવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીની આ જવાબદારી છે કે તેની રક્ષા કરે. ભારત ક્યારેય ફક્ત એક અવાજ ન હતો અને રહેશે પણ નહીં. ભારત હંમેશા અનેક અવાજોનું મિશ્રણ હશે. આજ ભારત માતાનો સાચો અનુભવ છે. રાહુલ ગાંધીએ અંતમાં લખ્યું કે, ભારત અને દેશ બહારના હજારો ભારતીયોનો આભાર જેમણે મને મારા સમર્થનમાં પત્રો લખ્યા. હું ચોક્કસપણે મારી પૂરી તાકાતથી કોંગ્રેસ પાર્ટીના આદર્શો માટે લડતો રહીશ. જ્યારે પણ પાર્ટીને મારી જરૂર હશે તો હું હાજર રહીશ.

મોતીલાલ વોરા કોંગ્રેસના વચગાળાના પ્રમુખ રહેશે

રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના નજીકના સાથી મોતીલાલ વોરાને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. નવા અધ્યક્ષની નિમણૂંક સુધી વોરા આ હોદ્દા ઉપર રહેશે. અલબત્ત પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનાવવાના અહેવાલ અંગે પૂછવામાં આવતા મોતીલાલ વોરાએ આ અંગે કોઇ માહિતી હોવાનો ઇન્કાર કર્યો હતો. મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહ્યા છે. યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના સૌથી નજીકના વ્યક્તિ તરીકે તેમની ગણતરી કરવામાં આવે છે. પાર્ટીના તમામ મોટા નિર્ણયોમાં તેઓ સામેલ રહ્યા છે. રાજ્યસભા સાંસદ મોતીલાલ વોરા હાલમાં કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પદ ઉપર રહેલા છે.

અગાઉ ભાજપમાં જોડાવવાનું આમંત્રણ મેળવેલ સુશીલકુમાર શિંદે કોંગ્રેસના નવા અધ્યક્ષ બનવાની અટકળો

કોંગ્રેસ અધ્યક્ષ અંગેની અટકળો વરિષ્ઠ નેતા સુશીલકુમાર શિંદેના નામ પર અટકળની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા સુશીલકુમાર શિંદેના નામ પર મોહર લગાવી ચૂકયા હોવાના અહેવાલ છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી, દલિત ચહેરો, મુંબઈથી મળનાર પાર્ટી ફંડ અને એનસીપીને ફરી કોંગ્રેસમાં જોડવાની આશા હોઈ શકે છે. જ્યારે અન્ય પ્રમુખ નેતાઓ જેમ કે ગેહલોત, મલ્લિકાર્જુન ખડગે, ગુલામનબી આઝાદ, જનાર્દન દ્વિવેદી, એ.કે.એન્ટનીને પક્ષ અધ્યક્ષ નહીં બનાવવા નિર્ણય પાછળ પણ કારણો જણાઈ રહ્યા છે. અશોક ગેહલોત અંગે ઘણી ચર્ચા થઈ કારણ કે સોનિયા-રાહુલની સાથે તેમણે ઘણી બેઠકો કરી છે પરંતુ રાહુલ ગાંધી રાજસ્થાનમાં કોઈ જોખમ લેવા માંગતા નથી કારણ કે રાજસ્થાનમાં સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે વધુ અંતર નથી. આવી સ્થિતિમાં ગેહલોતની રાજ્યમાં ગેરહાજરીથી કોંગ્રેસને નુકસાન થવાની સંભાવના છે. બીજી તરફ મલ્લિકાર્જુન ખડગેએ અનેકવાર હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા વિના નિર્ણયો લેવાના કારણે, ગુલામનબી આઝાદ ભાજપ માટે સરળ શિકાર હોવાથી અને જનાર્દન દ્વિવેદી સક્રિય રાજનીતિથી દૂર હોવાથી તેમને અધ્યક્ષ પદથી દૂર રખાયા હોવાનું મનાય છે. આ સ્થિતિમાં ગાંધી પરિવારના વિશ્વાસુ સુશીલકુમાર શિંદેનું નામ આગળ આવ્યું છે જેમને રાજનીતિમાં લાવવાનો શ્રેય શરદ પવારને જાય છે પરંતુ તેમણે કોંગ્રેસ અને પવારમાંથી કોંગ્રેસની પસંદગી કરી હતી. તેઓ યુપીએ-ર સરકારમાં સુશીલકુમાર શિંદે કેન્દ્રીય ગૃહમંત્રી રહી ચૂકયા છે અને તેમની આંધ્રપ્રદેશ રાજ્યપાલ તરીકે પણ નિમણૂક કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સુશીલકુમાર શિંદેએ કહ્યું હતું કે ર૦૧૯ લોકસભા ચૂંટણીઓ પહેલાં ભાજપે તેમના પરિવારને પોતાના પક્ષમાં લેવાના પ્રયાસો કર્યા હતા.