Ahmedabad

અમદાવાદ મેટ્રો કોર્ટે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધી સામે સમન્સ ઈસ્યુ કર્યું

(સંવાવદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૯
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે બદનક્ષીના એક કેસમાં સમન્સ ઈશ્યુ કર્યું છે. ભાજપના નેતા અમિત શાહને હત્યાના આરોપી કહેવા બદલ ભાજપના એક કોર્પોેરેટરે ફરિયાદ દાખલ કરી હતી. તે સંદર્ભે કોર્ટે સમન્સ ઈશ્યુ કર્યું છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમ્યાન મધ્યપ્રદેશના જબલપુર ખાતેની એક જાહેર સભાને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી કહ્યા હતા. આથી આ અંગે અમદાવાદના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટએ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. આથી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.એસ.ડાભીએ સી.આર.પી.સી.ની કલમ ર૦ર હેઠળ વેરિફિકેશન કર્યા બાદ ફરિયાદી અને બે સાક્ષીઓની જુબાની લીધી હતી. દરમ્યાન આ કેસ સંદર્ભ. કોર્ટે ગત તા.૧મેના રોજ રાહુલ ગાંધી સામે સમન્સ ઈશ્યુ કર્યું હતું. પરંતુ ત્યારે રાહુલ ગાંધી હાજર થયા ન હતા. આ અગાઉ અમદાવાદની મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી સામે સમન્સ કાઢ્યું હતું ત્યારે લોકસભાના સ્પીકર દ્વારા સમન્સની બજવણી કરવાનો મેટ્રો કોર્ટે હુકમ કર્યો હતો. કારણ કે રાહુલ ગાંધી લોકસભાના સભ્ય હોવાથી સ્પીકર દ્વારા સમન્સ બજવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
દરમ્યાન આજરોજ કોર્ટમાં આ કેસની તારીખ હતી પરંતુ કેસમાં દર્શાવેલા સરનામા પર સમન્સ ન પહોંચતા કોર્ટે સમન્સ રિઈશ્યુ કર્યું છે અને આગામી ૧૯ ઓગસ્ટ પહેલાં હાજર થવા જણાવ્યું છે.