(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
લોકસભા ઇલેકશનમાં કર્ણાટક ખાતેની એક રેલીમાં બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે એવી કોમેન્ટ કરનાર રાહુલ ગાંધી સામે સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. જે સંદર્ભે કોર્ટે રાહુલ ગાંધીને તા.૧૬મી જુલાઇના રોજ સમન્સ ઇશ્યૂ કર્યો હતો. જો કે, રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા ન હતા. તેમના બદલે તેમના વકીલ કિરીટ પાનવાલા હાજર રહ્યા હતા અને તેમણે વકીલપત્ર રજૂ કરી આગામી તારીખ માટે રજૂઆત કરી હતી. જેથી કોર્ટે ૧૦મી ઓકટોબરની મુદ્‌ત આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી દરમ્યાન કર્ણાટક ખાતે એક રેલીમાં બધા જ ચોરોના નામ ઉપનામ મોદી કેમ હોય તેવી કોમેન્ટ કરતા મોદી સમાજમાં રોષ ફાટી નિકળ્યો હતો. જેમાં સુરતમાં વસતા મોદી સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. મોદી સમાજે વિવિધ કાર્યક્રમો કરી તેનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ કોર્ટમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટે તા.૧૬મી જુલાઇના રોજ રાહુલ ગાંધીને હાજર રહેવા માટે સમન્સ ઇશ્યૂ કર્યો હતો. જો કે, મંગળવારે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા ન હતા. તેના બદલે તેમના વકીલ કીરીટ પાનવાલા, સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકા, માજી મેયર કદીર પીરઝાદા કોર્ટમાં હાજર રહ્યા હતા. ફરિયાદ પક્ષે વકીલ હસમુખ લાલવાલા અને ફરિયાદી પુર્ણેશ મોદી કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીના વકીલ કીરીટ પાનવાલાએ વકીલ પત્ર રજૂ કરી આગામી મુદ્‌ત આપવા માટેની રજૂઆત કરી હતી. જેને લઇને કોર્ટે આગામી ૧૦મી ઓકટોબર સુધીની મુદ્‌ત આપી છે. હવે રાહુલ ગાંધીને ૧૦મી ઓકટોબરના રોજ સુરત કોર્ટમાં હાજર રહેવું પડશે.