(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારના પતન થયાના કલાકો બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે સત્તા હાંસલ કરવાના પોતાના માર્ગમાં ગઠબંધનને એક અવરોધ તરીકે જોનારાઓનો વિજય થયો જ્યારે લોકતંત્ર અને રાજ્યના લોકોનો પરાજય થયો. કર્ણાટક વિધાનસભામાં મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલી વિશ્વાસ દરખાસ્ત બાદ કોંગ્રેસ-જેડીએસ સરકાર ભાંગી પડતા રાજ્યમાં ૧૪ મહિના જૂની કુમારસ્વામી સરકારનો અંત આવ્યો છે.રાહુલ ગાંધીએ એક ટિ્‌વટમાં જણાવ્યું કે પોતાના પહેલા દિવસથી જ કોંગ્રેસ-જેડીએસ સરકાર અંદર અને બહારના એ સ્થાપિત હિત ધરાવતા લોકોના નિશાન પર આવી ગઇ હતી. આ સ્થાપિત હિતો ધરાવતા લોકોએ આ ગઠબંધનને સત્તામાં આવવાના પોતાના માર્ગ માટે ખતરો અને અવરોધ તરીકે જોયું હતું.