(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)થી રેકોર્ડ કેશ ટ્રાન્સફર અંગે સરકાર સામે મંગળવારે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ મોદી અને નાણા પ્રધાનને જાતે પેદા કરેલા આર્થિક સંકટનો ઉકેલ મળી રહ્યો નથી. આ બાબતે ટિ્‌વટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે બેંકમાંથી નાણાની ચોરી કરવાનો તેમની સામે આરોપ મૂક્યો છે. તેમણે એવું પણ કહ્યું કે આ બિલકુલ એવું જ છે, જેમ કે ગોળી વાગવાથી થયેલા ઘા પર લગાવવા માટે ડિસ્પેન્સરીમાંથી બેંડ-એડની ચોરી કરવામાં આવે. આરબીઆઇ દ્વારા અર્થતંત્રને નવેસરથી વેગ આપવા માટે રિઝર્વ બેંકના રિઝર્વ્સમાંથી ૧.૭૬ લાખ કરોડ રૂપિયા સરકારને લેવા દેવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ આ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટિ્‌વટર પર એવો આરોપ મૂક્યો કે પીએમ અને એફએમ (નાણા પ્રધાન)એ જાતે સર્જેલી આર્થિક આપત્તિ કેવી રીતે ઉકેલવી, તેનો તેમને કોઇ ઉકેલ મળી રહ્યો નથી. તેમણે એવું પણ કહ્યું કે આરબીઆઇમાંથી ચોરી કરવાનું કામ આવશે નહીં. એક અલગ ટિ્‌વટમાં કોંગ્રેસે જણાવ્યું કે આરબીઆઇ દ્વારા સરકારને આપવામાં આવેલા ૧.૭૬ લાખ કરોડ રૂપિયા જેટલી જ રકમ ૨૦૧૯ના બજેટમાંથી ગાયબ છે. આ નાણા ક્યાં ખર્ચ કરવામાં આવ્યા ? બજેટમાંથી આ રકમ શા માટે ગાયબ છે ? કોંગ્રેસે એવું પણ કહ્યું કે આરબીઆઇને આવી રીતે લૂંટવાથી આપણું અર્થતંત્ર વધુ તારાજ થશે અને બેંકના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો થશે. અન્ય એક ટિ્‌વટમાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે સરકારનું આ પગલું રાજકોષીય સમજદારી છે કે રાજકોષીય હારા-કિરી છે.