અમદાવાદ,તા. ૫
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા.૯મી ઓકટોબરે અમદાવાદના હાથીજણ સર્કલથી તેમના રોડ-શો મારફતે નવસર્જન યાત્રાનો પ્રારંભ કરશે અને ખાત્રજ ચોકડી ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે. રાહુલ ગાંધી તેમના બીજા તબક્કામાં તા.૯થી ૧૧ ઓકટોબર દરમ્યાન ત્રણ દિવસના ચૂંટણી પ્રવાસમાં મધ્યઝોનના આઠ જિલ્લાઓમાં ૫૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડશે. જે દરમ્યાન રાહુલ ગાંધી મોટી જાહેરસભાઓને સંબોધશે, સાથે સાથે ખેડૂતો, આદિવાસીઓ અને વેપારીઓ-યુનિયન લીડર્સ અને વિદ્યાર્થીઓ સાથે પણ સીધો સંવાદ કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ખાત્રજ ચોકડી જનસભા સંબોધ્યા બાદ નડિયાદ સંતરામ મંદિર ખાતે દર્શનાર્થે જશે. નડિયાદ ખાતે વિવિધ સમુદાયના લોકો સાથે મુલાકાત કરી સીધી ચર્ચા કરશે. નડિયાદથી પેટલાદ, બોરસદ, આંકલાવની મુલાકાત લઇ ત્યાં પણ રાહુલ ગાંધીનો રોડ-શો યોજાશે. તો, બોરસદ ખાતે રાહુલ ગાંધી સ્થાનિક અને ગ્રામીણ મહિલાઓ સાથે ખાસ સંવાદ અને વાતચીત કરશે. ત્યારબાદ રાહુલ ગાંધી વડોદરા જવા રવાના થશે. જયાં વેપારીઓ, ખેડૂતો, પ્રોફેશનલ્સ સહિતના લોકો સાથે રાહુલ ગાંધી સંવાદ યોજશે. વડોદરામાં રાત્રિ રોકાણ બાદ તા.૧૦મીએ રાહુલ વિદ્યાર્થીઓ સાથે ખાસ ચર્ચા કરશે. વડોદરાથી પાદરા, કરજણ, ડભોઇ, બોડેલી, પાવી જેતપુરમાં પણ રોડ શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા વિસ્થાપિતો સાથે પણ રાહુલ ગાંધી તેમની મુલાકાત દરમ્યાન ચર્ચા કરશે. છોટાઉદેપુરમાં રાત્રિ રોકાણ કરી બોડેલીમાં જનસભા યોજશે. તા.૧૧મી ઓકટોબરે છોટાઉદેપુરથી દેવગઢ બારિયા તેઓ જશે. આ રૂટ પર લીમખેડા, ગોધરા, ફાગવેલામાં જાહેરસભાઓ પણ રાહુલ ગાંધી સંબોધશે. આ દરમ્યાન તેઓ આદિવાસી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ રૂબરૂ મળી ચર્ચા કરશે. રાહુલ ગાંધી તેમના બીજા ચરણના ચૂંટણી પ્રવાસમાં પણ મધ્ય ઝોનમાં શકય એટલા મહત્તમ મંદિરોની મુલાકાત લેશે. જેમાં રાહુલ ગાંધી પાવાગઢના મહાકાળી માં, ડાકોર રણછોડરાયજી, નડિયાદ સંતરામ મંદિર, ફાગવેલના ભાથીજી મહારાજ સહિતના મંદિરોમાં મુલાકાત લઇ દર્શન કરશે. રાહુલ ગાંધીની ગુજરાતની ફરી ચૂંટણીલક્ષી મુલાકાતને લઇ ગુજરાત કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને સૌરાષ્ટ્ર ઝોનમાં રાહુલ ગાંધીના ચૂંટણીપ્રવાસને મળેલી સફળતાની જેમ મધ્ય ઝોનમાં પણ આવી સફળતા હાંસલ થાય તે માટે કોંગ્રેસ ભારે કમર કસી રહી છે.