(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૩૧
છેલ્લા રર વર્ષથી અવીજયી રહેલો ગુજરાતનો ગઢ સર કરવા કોંગ્રેસે આ વખતે કમર કસી છે અને નવસર્જન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા તમામ પ્રયત્નો કરી રહી છે તે અંતર્ગત કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અગાઉ સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે અને હવે આવતીકાલથી દક્ષિણ ગુજરાતથી ત્રણ દિવસની યાત્રાનો પ્રારંભ કરશે. તા.૧થી ૩ નવેમ્બરની આ યાત્રાનો પ્રારંભ તેઓ જંબુસરથી કરશે. આવતીકાલ તા.૧ નવેમ્બરથી આવી રહેલા રાહુલ ગાંધી આ વખતે દક્ષિણ ગુજરાતની ત્રણ દિવસની યાત્રાનો પ્રારંભ જંબુસરથી કરશે. આ પ્રવાસ અંતર્ગત રાહુલ ગાંધી કાલે સવારે સુરત એરપોર્ટથી સવારે ૧૧ કલાકે ભરૂચ જિલ્લાના જંબુસર પહોંચશે જ્યાં સીટી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધીને આમોદ તરફ જવા રવાના થશે. રાહુલ ગાંધી પ્રથમ દિવસે વ્યારાના સરકીટ હાઉસમં રાત્રિ રોકાણ કરશે. જ્યારે બીજા દિવસે વાપી અને ત્રીજા અને અંતિમ દિવસે સુરતમાં રાત્રિ રોકાણ કરશે. દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સુરતના મીની સૌરાષ્ટ્ર અને પાટીદારોના ગઢ ગણાતા એવા વરાછા વિસ્તારમાં છેલ્લા દિવસે સાંજે જાહેરસભાનું પણ સંબોધન કરશે. પ્રથમ દિવસે ભરૂચ જિલ્લાના જંબુસરમાં સ્વાગત બાદ તેમનો કાફલો આમોદ, શમની થઈને બપોરે ૧રઃ૩પ કલાકે દયાદરા ગામે પહોંચશે. જ્યાં જમીન અધિકાર સભાને સંબોધીને ભરૂચ-જંબુસર ચોકડી થઈ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે સાંજે ૩ઃ૪પ કલાકે યુવા રોજગાર સંમેલનને સંબોધશે. આ સંબોધન બાદ તેઓ વાલિયા થઈ ઝંખવવામાં સ્થાનિકો સાથે બેઠક યોજીને સાંજે પઃ૩૦ કલાકે માંડવી, માંધી થઈને સાંજે ૭ઃપ૦ કલાકે વ્યારા પહોંચશે. વ્યારામાં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે સવારે ૧૦ઃ૩પ કલાકે વ્યારા ખાતે મહિલા સ્વાભિમાન સભાને સંબોધન કરીને રાહુલ ગાંધી મહુવા થઈને વાંસદા પહોંચશે. જ્યાં બપોરે ૧રઃપ૦ કલાકે ઉનાઈ માતાના દર્શન કરીને વાંસદાના કરાજ વેરી ગામમાં આંગણવાડી અને આશાવર્કર બહેનો સાથે મુલાકાત કરશે. ત્યાંથી તેઓ ધરમપુર થઈને બપોરે ૩ઃ૧પ કલાકે નાના પોંઢામાં આદિવાસી આક્રોશ જાહેરસભાને સંબોધન કરશે. ત્યાંથી તેઓ ડુંગરા વાપી થઈને વાપી પહોંચશે. જ્યાં વીઆઈએ હોલ ખાતે સાંજે ૬ઃ૧૦ કલાકે વેપાર-ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરશે. આજે બપોરે જંબુસરમાં અહમદભાઈ પટેલ ભરતસિંહ સોલંકી તથા અન્ય પદાધિકારીઓ રાહુલ ગાંધીની જયાં સભા યોજાનારી છે તે સ્થળે આવી પહોંચ્યા હતા અને ઉપસ્થિતિ જિલ્લા તથા શહેરના કોંગ્રેસીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને સ્થળનો નિરક્ષણ કર્યો હતો.