(એજન્સી) નવી દિલ્હી, તા.૬
ગુજરાત ચૂંટણીની આજુબાજુ રામમંદિરનો મુદ્દો ફરી એકવખત દેશના રાજકારણને ગરમાવી રહ્યો છે. નેતાઓની નિવેદનબાજી સતત ચાલુ છે. ભાજપના નેતા જીવીએલ નરસિંહ રાવે બુધવારના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા અને તેમણે બાબર ભક્ત અને ખિલજીના સંબંધી ગણાવ્યા હતા. જીવીએલએ ટ્‌વીટ કરતા કહ્યું કે અયોધ્યામાં રામમંદિરનો વિરોધ કરનાર રાહુલ ગાંધીએ ઓવૈસીસ, જિલાનીસથી હાથ મિલાવી લીધા છે, રાહુલ ગાંધી નિશ્ચિત રીતથી એક બાબર ભક્ત અને ખિલજીના સંબંધી છે. બાબરે રામમંદિરને તોડી પાડ્યું અને ખિલજીએ સોમનાથને લૂંટી લીધું હતું. નહેરૂ વંશ બંને ઈસ્લામી આક્રમણકારીઓના પક્ષમાં છે. કપિલ સિબ્બલના નિવેદન પર સાક્ષી મહારાજે કહ્યું કે વિવાદીત માળખું પડ્યાને એક લાંબો સમય થઈ ગયો આમાં વિલંબ કરવાની કોઈ આવશ્યક્તા નથી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય જલ્દી આવે. જો આમાં વિલંબ થતો હોય તો હિન્દુસ્તાનની જનતા આને બર્દાશ્ત નહીં કરી શકે. ભાજપા સાંસદ સાક્ષી મહારાજે રાહુલ પર પ્રહાર કરતાં કહ્યું કે જ્યાં સુધી મંદિરનો પ્રશ્ન છે, ત્યાં તાળું ખૂલ્યું કોંગ્રેસના શાસનમાં, મૂર્તિઓ મૂકવામાં આવી. કોંગ્રેસના શાસનમાં અને રાહુલના પિતા રાજીવ ગાંધીએ શિલાન્યાસ કરાવ્યો હતો. પુત્રનું કામ હોય છે જે પિતાએ કામ અધૂરું છોડ્યું હોય તેને પૂરું કરે. આ રાજીવ ગાંધીની વંશ નથી. લાગે છે ખિલજીની વંશજ છે. લાગે છે પોતાના પિતાનો વિરોધ કરી રહ્યા છે. રાહુલને પોતાના પિતાના પદચિહ્નો પર ચાલવું જોઈએ. આગળ કહ્યું કે એક તરફ રાહુલ મંદિરે મંદિરે ફરી રહ્યા છે. ત્યાં જ તેમની પાર્ટીના કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં મંદિરનો વિરોધ કરી રહ્યા છે. જો મંદિર ર૦૧૯ પહેલાં ન બન્યું તો દેશના લોકો સાથે અન્યાય થશે. જ્યારે કોંગ્રેસે વળતો પ્રહાર કરતાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ટ્‌વીટ કર્યું કે ભાજપા નેતાઓના પ્રવક્તાઓના નિવેદનને જોઈએ તો તેમના માટે સૌથી સારી જગ્યા પાગલખાનું છે. તેઓને પોતાના મગજની સારવાર કરાવી જોઈએ. ઝડપથી સાજા થાય.