(એજન્સી) નવી દિલ્હી, તા.૨૬
ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકાર પર ખૂબ શબ્દબાણો છોડી રહ્યાં છે. રાહુલે આ વખતે જીએસટી અને નોટબંધી પર અરૂણ જેટલીને નિશાના પર લીધાં. જેટલીને ડોક્ટર ગણાવતાં રાહુલે કહ્યું કે ડો. જેટલી તમારી દવા કામમા આવી નથી, અર્થતંત્ર આઈસીયુમાં છે. હિન્દીમાં એક કવિતા સંભળાવીને અને નાણા મંત્રી અરૂણ જેટલી પર નિશાન સાધીને રાહુલ ગાંધીએ ફરી એક વાર જેટલીના અર્થતંત્ર પરના દાવાની હાંસી ઉડાવી. ગાંધીએ કહ્યું કે અર્થતંત્ર આઈસીયુમાં છે અને ડો.જેટલીની દવા બેઅસર નીવડી છે. ટ્‌વીટર પર મોદી સરકાર પર પ્રહાર કરતાં રાહુલે કહ્યું કે ડો.જેટલી, નોટબંધી અને જીએસટીને કારણે અર્થતંત્ર આઈસીયુમાં છે. રાહુલે કહ્યું, તમે કહો છો કે તમે બીજા કરતા ઓછા નથી પરંતુ તમારી દવામાં કોઈ તાકાત નથી. સોમવારે પણ જીએસટીને ગબ્બરસિંહ ટેક્ષ ગણાવતાં રાહુલે શોલે ફિલ્મના એક સંવાદના સહારે વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો. રાહુલ ગાંધીએ મંગળવારે ગબ્બર સિંહના જુમલાને આગળ લઈ જતાં કહ્યું કે શોલેના વિલન ગબ્બર સિંહની જેમ સરકાર કહી રહી છે કે ‘યે કમાઈ મુઝે દે દે’.રાહુલને જવાબ આપતાં જેટલીએ કહ્યું હતું કે જેમણે ૨જી અને કોલસા કૌભાંડ કર્યું તેમને તો જીએસટીનો વાંધો હશે જ. રાહુલે કહ્યું હતું કે તેમનો જીએસટી એ જીએસટી નથી જીએસટીનો અર્થ ગબ્બર સિંહ ટેક્ષ છે. આને કારણે દેશ બરબાદ થઈ રહ્યો છે. નાના દુકાનદારો બરબાદ થયાં છે. લાખો યુવાનો બેરોજગાર બન્યાં છે પરંતુ તેમ છતાં પણ તેઓ સાંભળવા માટે તૈયાર નથી. રાહુલે એવું પણ કહ્યું કે કોંગ્રેસે સરકારને જીએસટીની પ્રતિકૂળ અસરની ચેતવણી આપી હોવા છતાં પણ મોદી સરકાર તેના પોતાના જીએસટી સાથે આગળ વધી.