(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૮
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ફરી એક દિવસના સુરત પ્રવાસે આવ્યા છે. સવારે એરપોર્ટ પર કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીની આ મુલાકત એબ્રોઈડરી, ડાઈંગ, પાવર લુમ્સ, ડાયમંડના વેપારીઓ સાથે મળી જીએસટી અંગે ચિતાર મેળવ્યો હતો. દરમિયાન રાહુલ ગાંધીનો આગવો અંદાજ જોવા મળ્યો હતો. પાવર લુમ્સ, એબ્રોઈડરી અને ડાયમંડ ફેક્ટરીમાં અંદરથી નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. સુરતમાં મોટી સંખ્યામાં હીરાના કારખાના આવેલા છે. જેમાં હીરાની ઘંટી પર કારીગરો અંગૂરથી જે રીતે હીરો ઘસે તે રીતે ડાબા હાથમાં અંગૂર પકડીને રાહુલે ઘંટી પર હીરામાં પેલ પાડ્યા હતા. જે પાડેલા પેલને આઈ ગ્લાસથી જોઈને એ સામાન્ય કારીગરની મુદ્રામાં રાહુલ ઘંટી પર બેઠા હતા. સાથે હીરા ઘસવામાં થતી તકલીફોનો પણ ચિતાર રાહુલે મેળવવા પ્રયાસ કર્યો હતો. રાહુલે હીરા ઘસવાની સાથે-સાથે પડતી મુશ્કેલી મહેનત અને તેના પર લાગતા ટેક્સથી કારીગરોના જીવન પર પડતી અસર વિશે જાતે અનુભવ મેળવ્યો હતો. સુરતની મુલાકતે આવેલા રાહુલ ગાંધીએ હીરા અને કાપડના વેપારીઓની વચ્ચે થોડો સમય મળતાં ચા-નાસ્તો કર્યો હતો. જેમાં વરાછા મેઈન રોડ પર આવેલી સોમનાથમાં રાહુલ ગાંધીએ ચા-નાસ્તો કર્યો હતો. અહીં રાહુલ ચા-નાસ્તા સાથે બિસ્કીટ અને સુરતી લોચા-ખમણનો સ્વાદ ચાખ્યો હતો. સામાન્ય માણસની જેમ જ તેમણે નાસ્તો કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે, આ અગાઉની મુલાકાતમાં રોડ સાઈડના ઢાબામાં હાઈવે પર રાહુલે ડિનર કર્યું હતું. હીરા કારખાના, ટેક્સટાઈલના કારખાના બાદ રાહુલ ગાંધી સાડીઓને સુંદર બનાવવા સ્ટોન ચોટાડતી મહિલાઓને ઘરે જઈને મળ્યા હતા અને સાડીઓ પર સ્ટોન ચોટાડ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે, વરાછા વિસ્તારમાં મહિલાઓ મોટા પ્રમાણમાં ઘર બેઠા સાડીઓ પર સ્ટોન ચોટાડીને આવક મેળવી રહી છે. જેમની સાથે રાહુલ ગાંધીએ સમય પસાર કર્યો હતો.
રાજીવ ગાંધીએ પણ અગાઉ લારી
પર ચાની ચૂસકી માણી હતી
જીએસટીની અસર બાદ કાપડ અને હીરાના વેપારીઓ સહિત લોકોના પ્રશ્નો સાંભળવા આવેલા રાહુલ ગાંધી આજે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ હીરા, કાપડ ઉદ્યોગના કારખાનાની મુલાકાતની વચ્ચે થોડો સમય મળતાં રસ્તા પર આવેલી વરાછાની સોમનાથ ચા પર નાસ્તો કર્યો હતો. એ જ અંદાજમાં અગાઉ રાજીવ ગાંધીએ રસ્તા પર ચાની ચૂસકી લીધી હતી. રાહુલની જેમ રાજીવ ગાંધી ચાની લારી પર ચા પીતા હતા. જેમાં રાજીવની પાછળ ચાની લારીનું સાગર નામ વંચાય છે ત્યારે ગુજરાતમાં ઇલેક્શન વખતે તેઓએ ચા પીધી હોવાનું કોંગ્રેસીઓનું માનવું છે. જો કે આ ચા ક્યાંની લારી પર પીધી હતી તે સુરતના વરિષ્ઠ કોંગ્રેસીઓ જણાવી શક્યા ન હોતા. સુરતની લારી છે કે, રાજ્યના અન્ય કયાં શહેરની છે, તે અંગે તેઓ સ્પષ્ટ નહોતા. જો કે એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ જૂના દિવસો યાદ કરતાં જણાવ્યું હતું કે, રાજીવ ખૂબ સરળ સ્વભાવના હતા અને તેઓ સામાન્ય માણસ સાથે ચા-નાસ્તો અને ભોજન પણ લેવામાં નાનપ અનુભવતા ન હોેવાનું જોવા મળ્યું હતું.
Recent Comments