(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
કોંગ્રેસના હિન્દુત્વ પ્રત્યેના નરમ વલણને દર્શાવવા ભાજપ અને આરએસએસના હાર્ડલાઈન હિન્દુત્વના મુકાબલા રૂપે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્રણ દિવસની ગુજરાતની યાત્રા દરમિયાન ચાર જેટલા વિખ્યાત હિન્દુ મંદિરોની મુલાકાત લઈ પૂજા-પ્રાર્થના કરી હતી. ગુજરાતમાં આગામી મહિનાઓમાં ચૂંટણીઓ યોજાનાર છે. દરમિયાન ભાજપે રાહુલ ગાંધીની મંદિરોની મુલાકાતો અંગે કહ્યું કે કોંગ્રેસ ઘણા સમયથી ગુજરાતમાં ચૂંટણી જીતવામાં નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ્‌ે રાહુલ ગાંધીની મંદિરોની મુલાકાતનો રાજકીય અર્થ કાઢવા સામે અણગમો વ્યકત કર્યો હતો. રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રવાસ દરમિયાન સોમવારે વિખ્યાત દ્વારકાધીશ મંદિર અને ચોટીલા ખાતે ચામુંડા મંદિરના દર્શન કર્યા હતા. રાહુલ ગાંધી ચોટીલામાં ચામંુડા મંદિરે દર્શન માટે પર્વત પર ૧ હજાર પગથિયા ૧પ મિનિટમાં સળસળાટ ચડી ગયા હતા. જ્યાં તેમણે પૂજા કરી હતી. પૂજારીએ મંદિરનું મહત્ત્વ સમજાવ્યું હતું. સાંજે તેઓ કાગવડ ખાતે ખોંડલ ધામ મંદિરે દર્શને ગયા હતા જે લેઉઆ પાટીદારોની કુળદેવી ખોડિયાર માતાનું મંદિર છે. રાજ્યમાં ભાજપ સરકાર સામે પટેલોના એક જૂથે બાંયો ચઢાવી છે. તેમણે અનામતના મુદ્દે રાજ્ય સરકારને ઘેરી છે. નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેઓ અનામત માંગી રહ્યા છે. રાહુલ ગાંધી ખોંડલ ધામ આવ્યા ત્યારે પાટીદાર સમુદાયે તેમનું ભવ્ય સ્વાગત કરી જય પાટીદાર, જય સરદારના સૂત્રો પોકાર્યા હતા. માર્ગમાં જેતપુર ખાતે તેમણે દલિત અને બૌદ્ધ સમુદાયના દાસી જીવન મંદિરની પણ મુલાકાત લીધી હતી. કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમ્‌ે આ યાત્રાને રાજકીય રીતે જોવી જોઈએ તેવું જણાવી કહ્યું કે, યાત્રા પાછળનો બીજો પણ ઘણો હેતુ હતો. દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા મુજબ કામ કરે છે. આપણે દરેક શ્રદ્ધાને સમાન રીતે જોવી જોઈએ. જે કોંગ્રેસની સ્થિતિ છે. જવાહરલાલ નહેરૂથી ઈન્દિરા ગાંધી સુધી આ પ્રથા ચાલુ હતી. મંદિરોની મુલાકાત લઈ હિન્દુ મતદારોને રાજી કરવાના પ્રયાસો હતા તેવું કહી શકાય નહીં. ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનિષ દોષીએ કહ્યું કે ભાજપ-આરએસએસે કોંગ્રેસને હિન્દુ વિરોધી પક્ષ તરીકેની છબિ ઊભી કરી હતી. તેવી સ્થિતિમાં કટ્ટરવાદી હિન્દુનો પ્રચાર કરતાં ભાજપ-સંઘનો મુકાબલો કરવા વિવિધ મંદિરોની મુલાકાત લેવાનો હેતુ હતો. કોંગ્રેસને હિન્દુ વિરોધી ચીતરવાના સંઘ-ભાજપના પ્રયાસો સાચા નથી. કોંગ્રેસના પ્રવકતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અમારી બિનસાંપ્રદાયિકતા ભાજપ કરતાં જુદી છે. ધાર્મિક સ્થળોની મુલાકાત તમામ શ્રદ્ધાનું પ્રતિક છે. આ નવી વાત નથી. દિવંગત ઈન્દિરા ગાંધી પણ આ પ્રથાને અનુસરતા હતા તેમ છતાં ભાજપના નેતાઓએ કહ્યું કે કોંગ્રેસ પક્ષ ચૂંટણી જીતતો નથી તેથી મંદિરોની મુલાકાત લીધી હતી. ભાજપના પ્રવકતા રાજુ ધ્રુવેએ કહ્યું કે કોંગ્રેસ પક્ષ કોઈપણ રાજ્યમાં ચૂંટણી જીતતો નથી તેથી મંદિરોનો સહારો લે છે. ગઈકાલે રાજકોટમાં રાહુલ ગાંધીએ ગરબા મહોત્સવમાં ભાગ લીધો હતો. સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રની રાજગુરૂએ તેનું આયોજન કર્યું હતું. રાહુલ ગાંધીએ મતાજીની આરતી ઉતારી હતી. રાહુલ ગાંધીએ મુલાકાત દરમિયાન કહ્યું કે કોંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો ખેડૂતોના તમામ દેવા ૧૦ દિવસમાં માફ કરશે. રાહુલ ગાંધીએ નોટબંધી, જીએસટી અને ખેડૂત નીતિની વડાપ્રધાન મોદીની સરકારની નીતિની ઝાટકણી કાઢી હતી. ગુજરાતમાં આગામી ચૂંટણીના ખરાખરી જંગમાં જીતવા રાહુલ ગાંધીએ સરદાર પટેલના વારસદાર પટેલોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કર્યો હતો. તેમણે ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસની તરફેણમાં જોરદાર પવન છે.