(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ‘રેપ ઇન ઇન્ડિયા’વાળી પોતાની ટિપ્પણી માટે માફી માગવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે હું આના માટે ક્યારેય માફી માગીશ નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીને ‘રેપ કેપિટલ’ કહ્યું હતું. હવે મુદ્દાથી ધ્યાન હટાવવા માટે ભાજપવાળા હોબાળો કરી રહ્યા છે. ‘મેક ઇન ઇન્ડિયા’ની વાત વડાપ્રધાને કરી હતી તો, મેં વિચાર્યું… અખબારોમાં દરરોજ રેપના અહેવાલો પ્રસિદ્ધ થઇ રહ્યા છે, ઉન્નાવમાં ભાજપના ધારાસભ્યે મહિલા પર રેપ કર્યો, અખબારમાં વાંચી રહ્યા છીએ… તેથી મેં ‘રેપ ઇન ઇન્ડિયા’ કહ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે નોર્થ-ઇસ્ટમાં ખાસ કરીને આસામમાં નાગરિકતા કાયદાના ભારે અનેે વ્યાપક વિરોધ, ઉત્તપૂર્વને સળગાવી દેવાના મુદ્દા, બેરોજગારી અને મંદીથી ધ્યાન હટાવવા માટે અમારા નિવેદનને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે અને સરકાર તેમને ટાર્ગેટ કરી રહી છે. તેમણે કહ્યુંકે પૂર્વોત્તરને સળગાવી દેવા માટે વડાપ્રધાન મોદીએ માફી માગવી જોઇએ. કોંગ્રેસના નેતાએ સરકાર સામે એવો પણ આરોપ મૂક્યો કે સંસદમાં ભાજપના પ્રહારોનો તેમને જવાબ આપવા દેવામાં આવતું નથી. ખરેખર, ઝારખંડના ગોડ્ડામાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાનન્ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું ‘મેક ઇન ઇન્ડિયા’ પરંતુ આજે જ્યાં પણ જુઓ ‘રેપ ઇન ઇન્ડિયા’ દેખાય છે. કોંગ્રેસના નેતાએ એક ટિ્‌વટમાં અને પત્રકારોને જણાવ્યું કે પીએમ મોદીએ ઉત્તરપૂર્વને સળગાવવા, ભારતના અર્થતંત્રનો નાશ કરવા અને પોતાના પ્રવચનમાં ‘દિલ્હીને ધ રેપ કેપિટલ ઓફ ઇન્ડિયા’ ગણાવવા બદલ માફી માગવી જોઇએ. રાહુલ ગાંધીએ આ ટિ્‌વટ સાથે પીએમ મોદીના દિલ્હીને રેપ કેપિટલ કહેતો વીડિયો પણ શેર કર્યો છે.