(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૧૮ જુલાઈથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં મહિલા અનામત બિલને પસાર કરાવવા બિનશરતી સમર્થનનો પ્રસ્તાવ મૂક્યો છે. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદી હંમેશા ભાષણોમાં મહિલાઓના અધિકારોની વાત કરે છે. એમણે આશા વ્યક્ત કરી કે, પીએમ મોદી આ સત્રમાં મહિલા અનામત બિલ જરૂર પાસ કરાવી લેશે. રાહુલે વચન આપ્યું કે, મહિલા અનામત બિલ પસાર કરાવવામાં કોંગ્રેસ પીએમ મોદીને પૂરેપૂરો સહયોગ કરશે. નોંધનીય છે કે, પીએમ મોદી એમના ભાષણમાં ટ્રિપલ તલાક બિલ અટકાવવા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવે છે. વડાપ્રધાને અનેકવાર આરોપ મૂક્યા છે કે, કોંગ્રેસ મહિલાઓને એમના અધિકારો અપાવવા માંગતી નથી. કોંગ્રેસ અધ્યક્ષે આ આરોપના જવાબમાં પીએમ મોદીને પત્ર લખીને મહિલા અનામત બિલનો મુદ્દો ઉઠાવ્યો છે. રાહુલે આ પત્રમાં પીએમ મોદી પાસે ચોમાસુ સત્રમાં મહિલા અનામત બિલ લાવવાની માગણી કરી છે. તેમણે પત્રમાં સંસદ અને વિધાનસભાઓમાં ૩૩ ટકા મહિલા અનામત લાગુ કરવાની પણ માંગ કરી હતી. રાહુલે મોનસૂન સત્રમાં આ બિલ નહીં લવાય તો કોંગ્રેસ સમગ્ર દેશમાં પ્રદર્શન કરશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.