નવી દિલ્હી, તા. ૬
આગામી નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં દેશના જીડીપીમાં ઘટાડાના સંભવિત અંદાજ અંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી અરૂણ જેટલી પર નિશાન તાક્યંુ હતું. રાહુલ ગાંધીએ આર્થિક આંકડા સાથે ટિ્‌વટ કરી જીડીપીને નવું નામ આપ્યું છે. શનિવારે સવારે કરેલા ટિ્‌વટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નાણામંત્રી અરૂણ જેટલી અને પીએમ મોદીની ડિવાઇસિવ પોલિટિક્સવાળી જીનિયસ જોડી દેશને ક્યાં લઇ જઇ રહી છે. આ કટાક્ષ સાથે રાહુલે હાલની આર્થિક સ્થિતિ અંગે કેટલાક આંકડા પણ રજૂ કર્યા છે. ટિ્‌વટમાં તેમણે લખ્યું કે, નવું રોકાણ છેલ્લા ૧૩ વર્ષોમાં નીચલા સ્તરે છે, આ સાથે જ બેંક ક્રેડિટ ગ્રોથ છેલ્લા ૬૩ વર્ષમાં નીચલા સ્તરે છે. રોજગાર સર્જન છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઓછું રહ્યંુ છે. રાહુલે એવો પણ દાવો કર્યો છે કે, સરકારી નુકસાન છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ છે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં જીડીપી વિકાસ દર ૭.૧ ટકા રહ્યો હતો જ્યારે તેના પાછલા વર્ષે આઠ ટકાના ઉચ્ચ સ્તરે રહ્યો હતો. ૨૦૧૪-૧૫માં તે ૭.૫ ટકા હતો. નરેન્દ્ર મોદી સરકારે ૨૦૧૪માં કાર્યભાર સંભાળ્યો હતો.