(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
તમિળનાડુના થુથુકુડીમાં મંગળવારે થયેલા સ્ટર્લાઇટ વિરોધી દેખાવો અંગે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની વિચારસરણી ફગાવી દેવા બદલ દેખાવકારો પર ગોળીબાર કરીને તેમને મારી નાખવામાં આવ્યા છે. તમિળ લોકોએ આરએસએસની વિચારસરણી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હોવાથી તેમની હત્યા કરવામાં આવી છે. આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તમિળનાડુ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તમિળમાં કરેલા એક ટિ્‌વટમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે તમિળનાડુના લોકોને દબાવી શકાય નહીં. કોંગ્રેસ પ્રમુખ તમિળનાડુના લોકોનું સમર્થન કર્યું છે અને તેમને પોતાનો ટેકો આપ્યો છે. તેમણે જણાવ્યું કે પ્રિય તમિળ ભાઇઓ અને બહેનો, અમે તમારી સાથે છીએ. થુથુકુડીમાં સ્ટર્લાઇટ ઇન્ડસ્ટ્રીઝના નવા કોપર સ્મેલ્ટર પ્લાન્ટના નિર્માણ સામે વિરોધ કરનારા દેખાવકારો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ૧૧ લોકો માર્યા ગયા છે અને અન્ય ૬૫થી વધુ લોકો ઘવાયા છે.