અમદાવાદ,તા.૪
કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજયમાંથી આમંત્રિત કરાયેલા રપ૦૦૦થી વધુ કાર્યકર આગેવાનોના સંવાદ કાર્યક્રમ પછી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વ્યવસાયિક ક્ષેત્રના ૧૦૦ જેટલા ડોકટર, વકીલ, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અધ્યાપકો સાથે સંવાદ યોજયો હતો. ત્યાર બાદ ૧પ૦ જેટલા નાના મોટા વેપારીઓ, ઉદ્યોગ સાહસિકોને નોટબંધી અને જીએસટીના કારણે ઉભી થયેલી આર્થિક કટોકટી અને રાજયમાં નાના મધ્યમ કદના ઉદ્યોગોની પરિસ્થિતિ અંગે વાતચીત કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ અને શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ વાર્તાલાપ કર્યો હતો. ત્યાર બાદ પ્રદેશ કોંગ્રેસના મંત્રી, જિલ્લા પંચાયતના પ્રમુખો અને વિવિધ સેલ-ડિપાર્ટમેન્ટના વડાઓ સાથે રાહુલ ગાંધીએ એક કલાક કરતા વધુ વાર્તાલાપ કર્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજયમાંથી આમંત્રિત કરાયેલા રપ૦૦૦થી વધુ કાર્યકર, આગેવાનોના સંવાદ કાર્યક્રમમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલ, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા, કાર્યકારી પ્રમુખો ડો. તુષાર ચૌધરી, ડો. કરશનદાસ સોનેરી, કુંવરજી બાવળીયા, પરેશ ધાનાણી, મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શોભા ઓઝા, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અમરિન્દ્રસિંહ રાજા બ્રાર, એઆઈસીસીના મંત્રી રાજીવ સાતવ, હર્ષવધન સપકાલ, જીતુ પટવારી વર્ષા ગાયકવાડ, પ્રકાશ જોશી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.