(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ભાજપ દ્વારા આરંભી દેવામાં આવતા કોંગ્રેસ કેમ પાછળ રહી જાય. કોંગ્રેસે પણ ભાજપની જેમ જ આ વખતે લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓને હમણાથી જ આરંભી દેવાનું નક્કી કરી તે માર્ગે આગળ વધી રહી છે. લોકસભાની ચૂંટણી અંગે ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસ આ વખતે ઉમેદવારો માટે કોંગ્રેસના સંગઠનના તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે સાથે પ્રજાનો પણ અભિપ્રાય લેવામાં આવનાર છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીને લઈ માર્ગદર્શન માટે રર-ર૩ જૂને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણી જીતવા અત્યારથી ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ આદરી છે. ગુજરાત કોંગ્રેસે પણ નવા સંગઠનની રચના બાદ લોકસભાના ઉમેદવારની શોધખોળ કરવાની કવાયત હાથ ધરવા નક્કી કર્યું છે. આ વખતે સંગઠનના હોદ્દેદારો જ નહીં, મતવિસ્તારની જનતાનો અભિપ્રાય લઇને ઉમેદવારની પસંદગી કરવા સ્ટ્રેટેજી ઘડાઇ છે. સૂત્રોના મતે, ગત વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે એકેય બેઠક મળી ન હતી. આ વખતે કોંગ્રેસ માટે સારૂં ચિત્ર સર્જાયું છે. વિધાનસભામાં પણ બેઠકો વધી છે તે જોતાં કોંગ્રેસને ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા જોવાઇ રહી છે. આ કારણોસર કોંગ્રેસે પણ પ્રજાલક્ષી કામ કરનારા દાવેદારોને ટિકિટ આપવા મન બનાવ્યું છે. ઉમેદવારો લોકોની પસંદગી હશે. મતવિસ્તારમાં દાવેદારો વિશે અભિપ્રાય લેવાશે. ઉમેદવારોની પસંદગી માટે સિલેક્શન કમિટી પણ બનાવવામાં આવશે. જો કે, કેટલાય ધારાસભ્યો હવે સંસદસભ્ય બનવા ઇચ્છુક છે. ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ, વિરજી ઠુમર સહિતના ધારાસભ્યો સંસદ સભ્ય રહી ચૂક્યાં છે. જો કે,અત્યારથી જ દાવેદારોએ દિલ્હીના આંટાફેરા શરુ કરી લોબિંગ શરુ કરી દીધું હોવાનું જાણવા મળે છે. અત્યારે તો જૂનના અંત સુધીમાં તાલુકા-જિલ્લાના માળખાને આખરી ઓપ આપવામાં આવનાર છે ત્યારબાદ પ્રદેશના માળખાને અંતિમરૂપ અપાશે. આ દરમિયાન, લોકસભામાં જુદી જુદી બેઠકો પણ કયા ઉમેદવાર જીતી શકે છે તે અંગે અત્યારથી કોંગ્રેસે મનોમંથન શરુ કરી દીધુ છે. લોકસભાની ચૂંટણીને પગલે કાર્યકરોને માર્ગદર્શન આપવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૨૨-૨૩મી જૂને અમદાવાદ આવી શકે છે. સૂત્રોના મતે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આમંત્રણને સ્વીકારી રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસીય મુલાકાત લેશે. જેમાં તેઓ વિવિધ સમાજના આગેવાનો, વેપારી મહામંડળના પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો સાથે તબક્કાવાર બેઠક યોજનાર છે.પેટા ચૂંટણીના પરિણામોમાં અંગે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ કે,વર્ષ ૨૦૧૯ની ચૂંટણી પહેલાનું આ ટ્રેલર છે.પેટા ચૂંટણીમાં પ્રજાએ ભાજપને જાકારો આપ્યો છે. દેશમાં જાણે અત્યારથી પરિવર્તનનો વાયરો ફુંકાયો છે.આ પરિણામો ભાજપના નેતાઓના અહંકારનુ પરિણામ છે.