અમદાવાદ,તા.૧૧
રાજય સરકારની શ્રમિક વિરોધી નીતિઓ અને વલણો સામે ઓકટોબર માસમાં અમદાવાદ ખાતે રાજયવ્યાપી વિશાળ મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા અને એઆઈસીસીના મહાસચિવ, ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, સાંસદ રાજીવ સાતવની હાજરીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અસંગઠિત મજદૂર કોંગ્રેસની રાજય સ્તરની કારોબારી અને અગ્રણીઓની એક અગત્યની બેઠક મળી હતી. આ મીટિંગમાં અસંગઠિત મજદુર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તેમજ વિભાગીય કો.ઓર્ડિનેટર હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અસંગઠિત મજદૂર કોંગ્રેસની રાજય સ્તરની કારોબારી અને અગ્રણીઓની બેઠકમાં એઆઈસીસીના મહાસચિવ, ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, સાંસદ રાજીવ સાતવેે જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી રાષ્ટ્રના શહેરી વિસ્તારોના અસંગઠિત શ્રમિકોના સવાલો અંગે વધારે સંવેદનશીલ છે અને તેઓ રાષ્ટ્રના કરોડો શ્રમિકોના પ્રશ્નો બાબતે ઉકેલ લાવવા ગંભીર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ કામદારોની પડખે છે અને રહેશે તેમજ પ્રદેશ કોંગ્રેસ અસંગઠિત મજદુર કોંગ્રેસને સંપૂર્ણ સાથ અને સહકાર આપશે. ગુજરાત અસંગઠિત મજદુર કોંગ્રેસના પ્રમુખ અશોક પંજાબીએ પણ બેઠકને સંબોધન કર્યું હતું. ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસના અગ્રણીઓની રાજય સ્તરની મીટિંગમાં રાજયમાંથી ૧પ૦થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.