(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
કર્ણાટકમાં સરકાર રચવા મામલે કોંગ્રેસના સિનિયર નેતાઓ ગુલામનબી આઝાદ, અશોક ગેહલોત અને કર્ણાટકના ઇન્ચાર્જ કે.સી. વેણુગોપાલ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા અને તેમને વિગતો આપી હતી. બુધવારે મુખ્યમંત્રી પદના શપથ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી પદે ચૂંટાયેલા એચડી કુમારસ્વામી પોતાના પદ માટે શપથ લેતા પહેલા રાહુલ ગાંધીને મળવા સોમવારે દિલ્હી આવ્યા હતા જે પહેલા કોંગ્રેસના નેતાઓ તેમના અધ્યક્ષને મળ્યા હતા. ગુલામનબી આઝાદે રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, અમે પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા અને સ્થિતિથી વાકેફ કરાવ્યા હતા. કુમારસ્વામી બાદમાં રાહુલ ગાંધીને મળ્યા હતા. જો કે, આઝાદે સરકાર રચવા અંગે કોઇ વિસ્તૃત માહિતી આપી નહોતી. કેટલાક સૂત્રોમાંથી એવું પણ સાંભળવા મળે છે કે, કોંગ્રેસે પોતાના બે નાયબ મુખ્યમંત્રી રાખવાની સલાહ આપી છે. પાર્ટીના દલિત ચહેરા જી. પરમેશ્વર આ પોસ્ટ માટે સૌથી આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ લિંગાયત નેતાને આ પોસ્ટ આપવા માટે પણ ભલામણ થઇ છે. ગુલામનબી આઝાદને પુછવામાં આવ્યું કે કોંગ્રેસ અને જેડીએસ સાથે જ છે ત્યારે તેમણે કહ્યું કે અમે ૧૧૭ ધારાસભ્યો સાથે છીએ અને અમે આગળ બેઠક કરી સ્પીકર ચૂંટીશું.