(એજન્સી) અમેઠી, તા.૧
યુપીમાં ઘણા બધા ધોરીમાર્ગોના નિર્માણ માટે સરકાર દ્વારા જમીનોના થઈ રહેલા સંપાદનથી અમેઠી સહિતના ઘણા વિસ્તારોના ખેડૂતો સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે. રાહુલ ગાંધી મંગળવારે અમેઠીની મુલાકાતે ગયા ત્યારે અમેઠીના ખેડૂતોએ સરકારે ધોરીમાર્ગો માટે જમીન સંપાદન કરી છે તેની સામે ફરિયાદ કરી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ તેમના મત વિસ્તારના ૯૦ જેટલા ખેડૂતોના પ્રતિનિધિમંડળ સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. યુપીમાં છઠ્ઠા નેશનલ હાઈવેના બાંધકામથી ખેડૂતો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. અમેઠીમાં જમીન સંપાદન અંગે કોઈ યોગ્ય પ્રક્રિયા થઈ નથી. નેશનલ હાઈવે પ૬ પહોળો બનાવવાની પ્રક્રિયા ચાલે છે. ત્રણ દિવસ અગાઉ કથોરામાં નેશનલ હાઈવે ઓથોરિટીએ લોકોના ઘર અને દુકાનોને વળતર આપ્યા વગર તોડી પાડી હતી. ખેડૂતે જમીન આપી છે છતાં ટ્રકોના પાર્કિંગ માટે વધુ જમીન પર તોડફોડ ચાલે છે જેનાથી ૧૦૦ પરિવારને મુશ્કેલી આવી છે. રાહુલ ગાંધીએ આ પરિવારને યોગ્ય વળતરની માંગ કરી છે.