(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
રાહુલ ગાંધી સોમવારે સંકેતો અનુસાર જ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા છે. તેઓ તેમના માતા સોનિયા ગાંધીનું સ્થાન લેશે. સોનિયા ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષા તરીકે ૧૬ વર્ષ કામ કર્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય તંત્રના અધ્યક્ષ મુલ્લાપલ્લી રામચંદ્રને આ અંગેની જાહેરાત કરી હતી. રામચંદ્રને જણાવ્યું હતું કે ૪૭ વર્ષના નેતા ૧૬મી ડિસેમ્બરે પાર્ટીની આગેવાની સંભાળશે જેના બે દિવસ બાદ જ ગુજરાત તથા હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ જાહેર થશે. સોનિયા ગાંધી કોંગ્રેસના મુખ્યમથકે સમગ્ર દેશના નેતાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક બાદ ૧૬મી ડિસેમ્બરે સવારે ૧૧ કલાકે ૧૩૨ વર્ષ જૂની પાર્ટીનું સંચાલન રાહુલ ગાંધીને સોંપી દેશે. એક પ્રેસ રિલીઝમાં કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું કે, રાહુલ ગાંધીની તરફેણ ૮૯ ઉમેદવારોએ કરી હતી જેમના દસ્તાવેજોની તપાસ બાદ તમામ યોગ્ય ગણાવાયા હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે, પ્રમુખ પદની ચૂંટણી માટે અન્ય કોઇ ઉમેદવારી આવી નહોતી. રામચંદ્રને તે સમયે કહ્યું હતું કે, તેઓ આ અંગે ૧૧મી ડિસેમ્બરે જ જાહેરાત કરશે જે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી.
કોંગ્રેસ પાર્ટીના સ્વતંત્ર ૧૫ સભ્યોમાં નેહરૂ-ગાંધી પરિવારના ચાર સભ્યો છે જેમાં રાહુલનો ઉમેરો થયા બાદ હવે પાંચ સભ્યો થઇ ગયા છે. છેલ્લા ૩૮ વર્ષથી પક્ષ પર નહેરૂ ગાંધી પરિવારનો દબદબો રહ્યો છે. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી આઠ-આઠ વર્ષ સુધી અધ્યક્ષ પદે રહ્યા જ્યારે સોનિયા ગાંધીનો રેકોર્ડ ૧૯ વર્ષ સુધી કોંગ્રેસના અધ્યક્ષા રહ્યા હતા. રાહુલ ગાંધીની કોંગ્રેસના અધ્યક્ષ પદે વરણી થયા બાદ વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે, રાહુલ ગાંધી હાલમાં ગુજરાતમાં આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીની તાજપોશીની તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. રાહુલ ગાંધીના સંદર્ભમાં તમામ વિગતો પહેલાથી જ જાહેર કરવામાં આવી ચુકી છે. સંસદનું શિયાળુ સત્ર પણ શરૂ થઇ રહ્યું છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બીજી બાજુ રાહુલ ગાંધીની તાજપોશીને લઇને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આગામી વર્ષે ભવ્ય ઉજવણી પણ કરવામાં આવનાર છે. નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલ ગાંધી સંબોધન પણ કરનાર છે. સોનિયા ગાંધી વિદાય લેતા પાર્ટી પ્રમુખ તરીકે સંબોધન પણ કરશે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. ૨૪ અકબર રોડ ખાતે આનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, પીસીસીના પ્રતિનિધિઓ, ધારાસભ્યો, કોંગ્રેસના કાર્યકરો પણ હાજરી આપનાર છે. આ કાર્યક્રમને લઇને પાર્ટી દ્વારા આક્રમક તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ છે કે, ૪૭ વર્ષીય રાહુલ ગાંધી ભાષણ પણ કરશે. મુખ્ય વિશેષતા એ પણ છે કે, પાર્ટીની કેટલીક જવાબદારી રાહુલ ગાંધીની સાથે સાથે સોનિયા ગાંધી પણ સંભાળશે. શનિવારના દિવસે રાહુલ ગાંધી સત્તાવારરીતે જવાબદારી સંભાળી લેશે. જો કે, ભવ્ય ઉજવણીના કાર્યક્રમની હાલ સોનિયા ગાંધી માર્ગદર્શક તરીકેની ભૂમિકામાં યથાવત્‌ રહેશે રાહુલ ગાંધીના અધ્યક્ષ પદની શરૂઆત આગામી વર્ષે થશે તે વખતે નવી કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક યોજાશે અને તેમાં સભ્યોની નિમણૂક કરવામાં આવશે. આજે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ખેંચવાની પ્રક્રિયા પૂરી થઇ હતી. ચીફ રિટર્નિંગ ઓફિસર ચૂંટણી મેદાનમાં એકમાત્ર ઉમેદવાર હોવાની વાત કરી ચૂક્યા છે. આની સાથે જ હવે શનિવારના દિવસે માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે. નહેરૂ ગાંધી પરિવારમાં પાર્ટી પ્રમુખ બનનાર રાહુલ ગાંધી છઠ્ઠા સભ્ય રહેશે.
પીએમ મોદીનો અભિનંદન સંદેશ : સફળ કાર્યકાળ માટે રાહુલ-જીને શુભકામના
રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બનતા પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટિ્‌વટર પર લખ્યું કે, હું કોંગ્રેસના અધ્યક્ષ પદે વરણી થતા તેમને અભનંદન આપું છું. સફળ કાર્યકાળ માટે શુભકામના. રાહુલ ગાંધીને સોમવારે બપોરે કોંગ્રેસના અધ્યક્ષ પદે ચૂંટાયાની જાહેરાત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીના અધ્યક્ષ પદને કોઇએ પણ પડકાર્યું નહોતું જેથી તેઓ બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. તેઓ તેમના માતા સોનિયા ગાંધી પાસેથી ૧૬મી ડિસેમ્બરે વિધિવત પદ ગ્રહણ કરશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને હિમાચલની ચૂંટણીના પરિણામના બે દિવસ પહેલા જ તેઓ અધ્યક્ષપદે બિરાજશે.