નવી દિલ્હી, તા. ૧
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપના ૨૨ વર્ષનો હિસાબ માગવાના ક્રમમાં શુક્રવારે ત્રીજો સવાલ પુછ્યો હતો. રાહુલનો ત્રીજો સવાલ ગુજરાતમાં વીજળી ખરીદવા સાથે જોડાયેલો હતો. રાહુલ ગાંધીએ પુછ્યું કે, મોદીની આગેવાનીવાળી સરકારે ૨૦૧૪માં ખાનગી કંપનીઓ પાસેથી ઉંચા ભાવે વીજળી કેમ ખરીદી ?રાહુલે ટિ્‌વટ કરીને મોદીને પુછ્યું કે, ૨૦૦૨-૨૦૧૬ વચ્ચે ૬૨,૫૬૯ કરોડની વીજળી ખરીદીને ચાર ખાનગી કંપનીઓના ખિસ્સા કેમ ભર્યા ? સાથે જ રાહુલ ગાંધીએ ગુજરાત સરકાર પર સરકારી વીજળી કારખાનાઓની ક્ષમતા ઘટાડવાનો આરોપ લગાવી કહ્યું કે, સરકારી વીજળી કારખાનાઓની ક્ષમતા ૬૨ ટકા સુધી ઘટાડાઈ પરંતુ ખાનગી કંપનીઓ પાસેથી ત્રણ રૂપિયા પ્રતિ યુનિટની વીજળી ૨૪ રૂપિયામાં કેમ ખરીદી ?
ઉલ્લેખનીય છે કે, પાછલા ત્રણ દિવસથી રાહુલગાંધી દરરોજ વડાપ્રધાન મોદીને એક સવાલ પુછી રહ્યા છે. આક્રમમાં જ તેમણે ત્રીજો સવાલ પુછ્યો હતો. આ પહેલા ગુરૂવારે તેમણે ગુજરાતના દેવા અંગે સવાલ કર્યો હતો. છેલ્લા ૨૨ વર્ષથી ભાજપની સત્તામાં રહેલા ગુજરાતમાં જીતની આશા દેખાતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પુછ્યું હતું કે, શા માટે લોકોના નાણા આ રીતે ખર્ચ કરવામાં આવ્યા. જો કે, તેમણે આ કંપનીઓના નામ દર્શાવ્યા નહોતા. સત્તાધારી ભાજપ સામે રાહુલ ગાંધીએ ગુજરાતમાં અર્થતંત્ર અને જીવનનિર્વાહના સવાલો પર વધારે ધ્યાન આપ્યું છે. તેમણે પહેલા બે સવાલો ગુજરાત સરકાર દ્વારા આવાસ અને કથિત નાણાકીય ગરબડ અંગે હતા. ગુરૂવારે રાહુલે લાઠી તથા ભાવનગરમાં જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવા માફ કરવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે સરકારી ભંડોળવાળી શાળા તથા કોલેજોમાં મફત શિક્ષણનું પણ વચન આપ્યું હતું. રાહુલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મોદીજીએ તેમના ઉદ્યોગપતિ મિત્રોની ૧.૨૫ લાખ કરોડની લોન માફ કરી દીધી પરંતુ મોદીજી અને તેમના નાણામંત્રી અરૂણ જેટલી કહે છે કે, ખેડૂતોના દેવા માફ કરવા તેમની નીતિઓમાં નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવમી અને ૧૪મી ડિસેમ્બરે એમ બે તબક્કામાં વિધાનસભા માટે મતદાન થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાના ચૂંટણી પરિણામો ૧૮મી ડિસેમ્બરે આવશે.