(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૬
રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટે ભાજપ સરકારને ક્લીનચિટ આપ્યા બાદ કોંગ્રેસના રાહુલ ગાંધી જાહેરમાં દેશની માફી માંગે તેવી માંગણી સાથે આજે સુરત શહેર ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળાની આગેવાની હેઠળ ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.
નાનપુરા મક્કાઈપુલ પાસે બે કલાકનો ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના અધ્યક્ષ નીતિન ભજીયાવાલા તથા મહામંત્રી મદનસિંહ અટોદરીયા, દામજીભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, તા.૧૪ નવેમ્બર ૨૦૧૯ના રોજ દેશની સર્વોચ્ચ ન્યાયાલય (સુપ્રીમ કોર્ટ) દ્વારા રાફેલ વિમાન પર પુનઃ વિચાર કરવા અંગેની વિવિધ અરજીઓને ફગાવી દેવામાં આવી અને સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના નિર્ણયમાં આ વિષયની તપાસ અંગેની માંગને બિનજરૂરી ગણાવી છે. તેથી ભાજપના દરેક કાર્યકર્તાની માંગ છે કે કોંગ્રેસ પક્ષ અને તેમના નેતા રાહુલ ગાંધીએ સાર્વજનિક રીતે જાહેરમાં દેશ અને જનતાની માફી માંગવી જોઈએ.