(એજન્સી) નવી દિલ્હી, તા.૮
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસની બહેરીનની યાત્રાએ પહોંચ્યા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે, રાહુલ ગાંધી ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયા ઓરિજિનની તરફથી આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમમાં પ૦ દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે અને સાથે ભારતીય મૂળ વેપારીઓ સાથે પણ વાતચીત થશે. આ સાથે રાહુલ જ્યારે કિંગડમ ઓફ બહેરીન પહોંચ્યા તો ત્યાં પહેલાંથી જ મોટી સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે ઉપસ્થિત હતા. લોકોએ સૂત્રોચ્ચારો કરીને રાહુલનું વેલકમ કર્યું. રાહુલ જ્યારે એરપોર્ટની લોબીમાં પહોંચ્યા તો તેઓને મળવા અને તેમની સાથે સેલ્ફી લેવા લોકોમાં ભારે હોડ જોવા મળી હતી. આ દરમિયાન રાહુલની સાથે હાજર એસપીજીને તેમને ત્યાંથી અન્ય સ્થળે લઈ જવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની પ્રથમ યાત્રા છે. આ સાથે રાહુલ ગાંધીએ બહેરીનના રાજકુમાર પ્રિન્સ શેખ ખાલીદ બિન હમદ અલ ખલીફા સાથે પણ અલવાદી પેલેસમાં મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ તેમને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા લખવામાં આવેલ પુસ્તક ડિસ્કવરી ઓફ ઈન્ડિયા ભેટમાં આપ્યું હતું.