(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૪
બારડોલી ખાતે ભાજપની ગૌરવ યાત્રામાં જોડાવવા આવેલા રાજનાથસિંહે કોંગ્રેસ ઉપર ચાબખા મારતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના યુવરાજને વિકાસ દેખાતો નથી. સુરત જિલ્લામાં ભાજપની ગૌરવ યાત્રામાં ઉપસ્થિતિ રહેવા માટે આવેલા કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહે એરપોર્ટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થિતિ જોઈ લાગે છે કે, ભાજપ અહિં ચોક્કસ જીતશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી ભાજપને કોઈ ફર્ક પડશે નહીં. આજે સુરત જિલ્લામાં પુણા ગામે, મહુવા, તરસાડી, બારડોલી, ખરવાસા, ગલતેશ્વર ખાતે ભાજપની ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ સુરત જિલ્લામાં યોજાયેલી જાહેરસભામાં ઉપસ્થિત રહ્યા હતા. બારડોલી ખાતે યોજાયેલી જાહેરસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, હું સરદારની ભૂમિ ઉપર પહેલીવાર આવ્યો છું. ગુજરાતમાં આવ્યો ત્યારે મારી માનું નામ યાદ આવે છે. મારી માનું નામ ગુજરાતી દેવી છે. તેમણે પોતાના વક્તવ્યમાં પાકિસ્તાન સામે નિશાન સાંધતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન આતંકીઓને ભારત મોકલે છે. પાકિસ્તાન હજુ સુધર્યું નથી. ભારત હવે મજબૂત રાષ્ટ્ર બની ગયું છે. ગુજરાતના ચૂંટણી પ્રચારમાં વિકાસ ગાંડો થયાના મુદ્દે આજે રાજનાથસિંહે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના યુવરાજને વિકાસ દેખાતો નથી. પહેલાં પાંચ કિ.મી. રસ્તા બનતા હતા. આજે ૩૨ કિ.મી. રસ્તો બને છે. મોદી સરકાર ઉપર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી.