(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૨
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના તા.૨૫થી તા.૨૭ સપ્ટેમ્બર દરમ્યાન ગુજરાત પ્રવાસને લઇ ગુજરાત કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે. ખાસ કરીને ગુજરાતના જામનગર, રાજકોટ સહિતના સ્થળોએ રાહુલ ગાંધીના રોડ શોને લઇ કોંગ્રેસ દ્વારા ખાસ પ્રકારે એક હાઇફાઇ, અદ્યતન ટેકનોલોજીથી સજ્જ તેમજ સોફા-બેડ અને સીસીટીવી સહિતના સુરક્ષા ઉપકરણો ધરાવતી લક્ઝરી બસ તૈયાર કરવામાં આવી છે. આ હાઇફાઇ લક્ઝરી બસમાં લાઉડ સ્પીકરની સુવિધા પણ હશે, બસનો ઉપયોગ રાહુલ ગાંધીના રોડ શો દરમ્યાન ઘણો ઉપયોગી અને મહત્વનો સાબિત થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા.૨૫મીએ સૌરાષ્ટ્રમાં દ્વારકા ખાતેથી પોતાના ચૂંટણી પ્રચાર-પ્રવાસના બીજા તબક્કાનો પ્રારંભ કરનાર છે. દ્વારકાથી તેઓ જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ થઇ અમદાવાદમાં પ્રવાસની પૂર્ણાહુતિ કરશે. આ સમગ્ર ચૂંટણી પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધી ભાજપ સરકારની નિષ્ફળતાઓ, નોટબંધી, જીએસટી સહિતના મુદ્દાઓને પ્રજા સમક્ષ ઉજાગર કરશે અને કોંગ્રેસની સત્તા આવશે તો પ્રજાલક્ષી ખાસ કરીને ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને નાના તેમ જ લઘુઉદ્યોગને લગતી પ્રોત્સાહક નીતિઓ અમલમાં લાવશે તેવી પ્રજાને હૈયાધારણ આપશે. રાહુલ ગાંધીના આ રોડ શો અને ચૂંટણી પ્રવાસને લઇને જ કોંગ્રેસ દ્વારા સૌપ્રથમવાર રાહુલ ગાંધી માટે વિશેષ હાઇફાઇ લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસ દરમ્યાન ખાસ પ્રકારે તૈયાર કરાયેલી આ હાઇફાઇ લક્ઝરી બસમાં સુરક્ષાને લઇને પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. હાઇફાઇ લક્ઝરી બસની ફરતે ચારેબાજુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કે જેથી બસની આસપાસ કે ફરતે થઇ રહેલી કોઇપણ શંકાસ્પદ ગતિવિધિ કે હિલચાલ પર નજર રાખી શકાય.