(એજન્સી) પટણા, તા.૬
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં યોજાયેલી એક ચૂંટણી સભામાં કથિત રીતે કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી હોય છે. રાહુલ ગાંધીના આ નિવેદન બદલ બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદીએ રાહુલ ગાંધી સામે કરેલા બદનક્ષીના કેસમાં પટણાની કોર્ટ દ્વારા શનિવારે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. ‘મોદી’નામવાળા બધા લોકોની ચોરો સાથે સરખામણી કરતી ટિપ્પણી કરવા બદલ એપ્રિલ ૨૦૧૯માં સુશીલ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો. સુશીલ મોદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની આ ટિપ્પણીથી મોદી અટકવાળી પ્રત્યેક વ્યક્તિની લાગણી દુભાઇ હતી અને તેમની બદનામી થઇ હતી. જોકે, રાહુલ ગાંધીનો ઇશારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બેંકો સાથે છેતરપિંડીના આરોપી નીરવ મોદી અને આઇપીએલના ભૂતપૂર્વ કમીશનર સુશીલ મોદી તરફ હતો. આજે કોર્ટમાં ઉપસ્થિત થયેલા રાહુલ ગાંધીના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા અને તેમને રૂપિયા ૧૦,૦૦૦ના જાત મુચરકા પર છોડી દેવામાં આવ્યા હતા. કોર્ટમાં રાહુલ ગાંધીને દોષિત ઠરાવવામાં આવ્યા નથી. જામીન મળી ગયા બાદ રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો કે મોદી સરકાર, ભાજપ અને આરએસએસ સામે જે કોઇ અવાજ ઉઠાવશે, તેની સામે કોર્ટમાં કેસો કરી દેવામાં આવશે. પટણામાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું ‘મારી લડત બંધારણ બચાવવા, ગરીબો અને ખેડૂતોના પડખે રહેવાની છે.’