(એજન્સી) તા.ર૩
કોંગ્રેસે દિલ્હીના રાજઘાટ પર સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એંકટ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને દેશની એકતા માટેના સત્યાગ્રહમાં ભાગ લઈ બંધારણની રક્ષા કરવાનો સંકલ્પ લીધો હતો. આ ધરણાં પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આજ સુધી દેશના દુશ્મનો જે કામ ન કરી શકયા નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ તાકાત સાથે તે કામ કર્યું છે. તેમણે વડાપ્રધાન મોદી પર લક્ષ્યાંક સાધતા કહ્યું હતું કે, જ્યારે તમે ભારતના કરોડો યુવાનોની રોજગારી છીનવો છો, નોટબંધી કરો છો ત્યારે તમે દેશના અવાજને શાંત કરવાનો પ્રયત્ન કરો છો. તેમણે કહ્યું હતું કે, હું તમારા મિત્ર અમિત શાહને જણાવવા માંગું છું કે, આ અવાજ કોંગ્રેસનો અવાજ નથી પરંતુ ભારત માતાનો અવાજ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, બધા સમજી ગયા છે કે, મોદીજીને ફકત નફરત ફેલાવવાનું કામ આવડે છે. આ બંધારણ બધા ધર્મના લોકોએ સાથે મળીને બનાવ્યું છે અને તેમાં તે બધાનો અવાજ સામેલ છે તમે આ સંવિધાન પર હુમલો ન કરી શકો. કપડાથી ઓળખવા અંગેની વડાપ્રધાન મોદીની કોમવાદી ટિપ્પણી પર કટાક્ષ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સામાન્ય માણસને નહીં પરંતુ વડાપ્રધાન મોદીને તેમના ભપકાદાર કપડાથી ઓળખી શકાય છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે કપડાની વાત આવે છે ત્યારે સમગ્ર દેશ તમને (વડાપ્રધાન મોદીને) ઓળખે છેે, કારણ કે તમે બે કરોડ રૂપિયાનું સૂટ પહેર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે પણ આ ધરણાં-પ્રદર્શનમાં હાજરી આપતાં કહ્યું હતું કે, આજે એવા લોકો સત્તામાં છે જે આઝાદીની લડતમાં ક્યાંય પણ સામેલ ન હતા. તેમણે કહ્યું હતું કે, આજે લોકશાહી અને બંધારણ સામે ખતરો ઊભો થયો છે અને દેશના યુવાનોએ તેના વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. ત્યારબાદ અહમદ પટેલે પણ બંધારણની પ્રસ્તાવના વાંચી હતી.