(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કર્યો હતો અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના ‘મોટા પલાયન’ પાછળ પીએમ મોદી જવાબદાર હોવાનો આરોપ મુક્યો હતો. કોંગ્રેસના અધ્યક્ષે વડાપ્રધાન પર સીધા હુમલા કરતા કહ્યું કે, એ વાત ગળે ઉતરે તેમ નથી કે, આટલા ગંભીર મામલામાં વડાપ્રધાન મોદીની પરવાનગી વિના સીબીઆઇએ લૂકઆઉટ નોટિસ બદલી હોય. રાહુલ ગાંધીએ ટિ્‌વટમાં જણાવ્યું કે, સીબીઆઇ સીધા વડાપ્રધાનને રિપોર્ટ કરે છે. આટલા મોટા મામલામાં એ વાત ગળે ઉતરે તેમ નથી કે, સીબીઆઇ વડાપ્રધાનની પરવાનગી વિના લૂકઆઉટ નોટિસને બદલી શકે. દરમિયાન સીબીઆઇએ પણ કબૂલાત કરી છે કે, વિજય માલ્યા વિરૂદ્ધની લૂકઆઉટ નોટિસમાં અટકાયતના રિપોર્ટને બદલ્યો હતો કારણ કે તેનું એવું માનવું હતું કે માલ્યા તપાસમાં સહકાર આપતો હતો અને તેની વિરૂદ્ધ કોઇ વોરંટ કઢાયું ન હતું આ અમારી મોટી ભૂલ હતી.
સીબીઆઇએ જણાવ્યું હતું કે, નોટિસ ૧૬મી ઓક્ટોબર ૨૦૧૫ના રોજ મુકવામાં આવી હતી પણ ૨૪મી નવેમ્બરે આ નોટિસને બદલી નાખવામાં આવી હતીકારણ કે, શરાબ કારોબારી તે સમયે ભારત અને યુકે વચ્ચે પ્રવાસ કરી રહ્યો હતો અને પુછપરછમાં સહકાર કરતો હતો. સીબીઆઇએ એમ પણ જણાવ્યું કે, માલ્યાની ૯,૧૦ અને ૧૧મી તારીખે પુછપરછ પણ કરવામાં આવી હતી. નોટિસને બદલી નાખવાનો બચાવ કરતા અધિકારીએ કહ્યું કે, તે ભાગી શકે છે તેવું માનવાનું કોઇ કારણ નહોતું. તપાસ એજન્સીએ જણાવ્યું કે, ફોર્મ ભરતી વખતે અટકાયતનીકોલમ મુંબઇ ઇમિગ્રેશન બ્રાન્ચે રદ કરી નાખી હતી જે એક મોટી ભૂલ હતી. આ અંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીધો આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંજૂર કરાયેલી વિજય માલ્યા વિરૂદ્ધની લૂકઆઉટ નોટિસ સીબીઆઇએ બદલી નાખી હતી. જોકે, બુધવારે જ વિજય માલ્યાએ સનસનાટીપૂર્ણ દાવો કર્યો હતો કે, તે દેશ છોડતા પહેલા નાણા મંત્રી અરૂણ જેટલીને મળ્યો હતો ત્યારે નોટિસ અંગે સવાલો ઉભા થયા છે અને તેને દેશ છોડવા માટે કોણે પરવાનગી આપી હતી. માલ્યાના દેશ છોડવા અંગેના દાવા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલુ છે. ગુરૂવારે જ કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ દાવો કર્યો હતો કે સંસદના સેન્ટ્રલ હોલમાં તેમણે વિજય માલ્યા અને નાણા મંત્રી અરૂણ જેટલીને મુલાકાત કરતા જોયા હતા અને તેના બે દિવસ બાદ જ ઉદ્યોગપતિ દેશ છોડીને ભાગી ગયો હતો. વિજય માલ્યા પર બેંકો પાસેથી લોન પેટે લીધેલા ૯૦૦૦ કરોડ રૂપિયા નહીં ચુકવવાનો આરોપ છે.

પૂર્વ IPL ચેરમેન લલિત મોદીએ વિજય માલ્યા પર જેટલી જૂઠ્ઠું બોલી રહ્યાનો આરોપ લગાવી કહ્યું, ‘સાપ પાસેથી તમે શું આશા રાખી શકો છો ?’

ભારતીય બેંકોના આશરે ૯૦૦૦ કરોડ રૂપિયા લઇને ફરાર થઇ ગયેલા લિક્વોર બરોન વિજય માલ્યાના સનસનાટીપૂર્ણ દાવા બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની મુશ્કેલીઓ વધી ગઇ છે. માલ્યા દ્વારા ભારત છોડતા પહેલા કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી સાથે પોતાની મુલાકાતનો દાવો કર્યા બાદ વિપક્ષે પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. માલ્યા વિવાદ અંગે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલી રહેલા શાબ્દિક પ્રહારો દરમિયાન દેશમાંથી ફરાર થયેલા આઇપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી પણ આ જંગમાં કૂદી પડ્યા છે. લલિત મોદીએ વિજય માલ્યાના દાવાને યોગ્ય ઠરાવતા નાણામંત્રી પર જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ લલિત મોદીએ પોતાના ટિ્‌વટમાં સંકેતોમાં નાણામંત્રીની સરખામણી સાપ સાથે કરી દીધી હતી.
લલિત મોદીએ ટિ્‌વટ કરી નાણા મંત્રી પર નિશાન સાધતા કહ્યું કે, અરૂણ જેટલી ઇન્કાર કરી રહ્યા છે પણ આ એકદમ સાચી વાત છે કે, વિજય માલ્યા દેશ છોડતા પહેલા તેમને મળ્યા હતા. તેમણે આ વાતનો સ્વીકાર કરવો જોઇએ. જ્યારે ઘણા લોકો એ વાતને જાણે છે કે, તેઓએ મુલાકાત કરી હતી અને આ લોકો ત્યાં હાજર હતા. જેટલીને જુઠ્ઠું બોલવાની ટેવ પડી ગઇ છે, એક સાપ પાસે તમે શું આશા રાખી શકો છો. માલ્યાએ બુધવારે કહ્યું હતું કે, ભારતથી રવાના થતા પહેલા તે નાણા મંત્રીને મળ્યો હતો અને બેંકો સાથે તેમના કેસનો નિકાલ કરવાની ઓફર કરી હતી. બીજી તરફ નાણા મંત્રીએ માલ્યાના નિવેદનને જુઠ્ઠાણુ ગણાવતા કહ્યું કે, ૨૦૧૪ બાદ તેને ક્યારેય સત્તાવાર મળવાનો સમય આપ્યો નથી.