(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ મોદી સરકાર માટે ચેતવણીના સંકેત લઇને આવી રહી છે કારણ કે દેશના ૧૯ રાજ્યોમાં હાથ ધરાયેલા ઓપિનિયલ પોલમાં દાવો કરાયો છે કે, દેશના ૫૦ ટકા મતદારો ભાજપની આગેવાનીવાળી સરકારને ફરી સત્તામાં જોવા માગતા નથી. ૧૯ રાજ્યોના સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, પોતાના કટ્ટર હરીફ રાહુલ ગાંધી મોદીની લોકપ્રિયતાનું અંતર ઘટાડવામાં સફળ રહ્યા છે. જેમાં રાહુલ ગાંધીએ દલિતો, આદિવાસીઓ, આધેડ અને વયોવૃદ્ધ લોકોમાં પોતાની લોકપ્રિયતા વધારી છે. આગામી સમયમાં બે મોટા રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં યોજાનારી ચૂંટણીઓમાં કોંગ્રેસની બેઠકો વધારે આવી શકે છે જ્યારે ભાજપને જોરદાર ફટકો પડવાના એંધાણ છે. જ્યારે બિહારમાં આરજેડી-કોંગ્રેસના ગઠબંધન સામે ભાજપ-જેડીયુ ગઠબંધન અગ્રેસર રહે તેવી સંભાવના છે.
૨૮ એપ્રિલ અને ૧૭ મે દરમિયાન એબીપી ન્યૂઝ માટે સીએસડીએસ-લોકનીતિ દ્વારા હાથ ધરાયેલા ‘ધ મૂડ ઓફ ધ નેશન’ (એમઓટીએન) સર્વેમાં દાવો કરાયો છે કે, ૧૫,૮૫૯ લોકોમાંથી ૪૭ ટકાનું માનવું છે કે, દેશમાં શાસન કરવા માટે મોદી સરકારને ફરીવાર તક આપવી જોઇએ નહીં. મોદી સરકાર ફરી સત્તામાં આવશે તેવું ફક્ત ૩૯ ટકા લોકો માને છે. એનડીએ માટે આ આંકડો એ માટે અશુભ છે કારણ કે, વર્ષ ૨૦૧૪ની ચૂંટણીના નવ મહિના અગાઉ કરાયેલા સર્વેમાં યુપીએ સરકારને પણ આવા જ નકારાત્મક આંકડા મળ્યા હતા. બીજી તરફ મોદી સરકારથી નારાજગીમાં સૌથી વધુ ત્રીજા ભાગના લઘુમતીઓ, પાંચમાંથી ત્રીજા ભાગના ખ્રિસ્તીઓ અને અડધાથી વધુ શીખ લોકો માને છે કે, મોદી સરકારને ફરી સત્તા સોંપવી જોઇએ નહીં. બીજી તરફ અણધારી રીતે હિંદુ સમાજનો મોટો વર્ગ પણ સરકાર વિરોધી વલણ ધરાવે છે જે સૌથી ચોંકાવનારી વાત છે. હિંસા અને એટ્રોસિટીના ભોગ બનેલા દલિતો અને આદિવાસીઓ પણ મોદી સરકારની વિરૂદ્ધમાં છે અને તેમાંથી સરેરાશ ૫૫ અને ૪૩ ટકા લોકો મોદી સરકારને સત્તામાં ઇચ્છતા નથી. હાલની સરકારના ઓબીસી સમાજના ૪૨ ટકા લોકો વિરોધ કરી રહ્યા છે.
લોકોની મત આપવાની પસંદગીમાં ભાજપે જાન્યુઆરીમાં મેળવેલા ૩૬ ટકામાંથી બે ટકા ઓછા ૩૪ ટકા મેળવ્યા છે. જોકે, ભાજપ ત્યારબાદથી અંતર ઓછું કરવામાં નિષ્ફળ નિવડ્યો છે. મે ૨૦૧૭ના સર્વેમાં ભાજપના સમર્થનમાં મતદાન કરનારા લોકોની સંખ્યા ૩૯ ટકા જોવા મળી હતી. મોદી સરકારની સામે અસંતોષનો આંકડો સતત વધી જ રહ્યો છે જેમાં મે ૨૦૧૭માં ૨૭ ટકા હતો જે વધીને જાન્યુઆરી ૨૦૧૮માં ૪૦ ટકા થઇ ગયો અને તાજેતરના સર્વેમાં તે વધીને ૪૭ ટકાએ પહોંચી ગયો છે. સર્વે દર્શાવે છે કે, દક્ષિણના રાજ્યોમાં ભાજપને હજુ પણ ખતરાનો અનુભવ થાય છે જ્યાં તેઓ અત્યારસુધી પોતાનો પગ જમાવી શક્યા નથી અને અત્યારસુધી ફક્ત ૧૮ ટકા મતો પર જ કબજો જમાવી શક્યા છે. બીજી તરફ આંધ્રપ્રદેશમાં ભાજપ કરતા ટીડીપી સારો દેખાવ કરી રહી છે. ઉત્તર ભારતમાંથી પણ ભાજપ માટે કોઇ સારા સમાચાર નથી. જ્યાં જાન્યુઆરીમાં ભાજપ-એનડીએ સરકારે મળેલા ૪૫ ટકા સમર્થન સામે અત્યારના સર્વેમાં તેને ફક્ત ૩૯ ટકા જ સમર્થન મળ્યું છે. સર્વેમાં એવું પણ કહેવાયું છે કે, દલિતો અને આદિવાસીઓએ પોતાના મતો વહેંચ્યા નથી પરંતુ જાન્યુઆરીમાં કરેલા સર્વેમાં રાહુલ ગાંધી ૨૮ ટકા દલિતો, ૨૭ ટકા આદિવાસીઓ માટે વડાપ્રધાન તરીકે પહેલી પસંદ હતા જ્યારે અત્યારના સર્વેમાં આ આંકડો સરેરાશ ૨૫ અને ૩૫ ટકા થઇ ગયો છે. જ્યારે આમાં મોદીની લોકપ્રિયતા ૪૨ અને ૩૭ ટકાથી ઘટીને ૩૫ અને ૨૫ ટકા પર આવી ગઇ છે.

કુશાસનના ચાર વર્ષ : મોદી સરકારમાં હિંસાની સંસ્કૃતિની બોલબાલા
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
ભારતીય સંસ્કૃતિના પુનરોદ્ધારના નામે મોદી સરકારે રચનાત્મકતા અને કલ્પના, અસહમતી અને ચર્ચાને નબળી બનાવી દીધી છે જેને તેણે વાસ્તવમાં સંકુચિત કરવાનો પ્રયાસ કર્યો છે અને અભૂતપૂર્વ તથા બિનજરૂરી એકરૂપતાની તરફ ધકેલી દીધું છે. બીજી બાજુ મોદી સરકારે કાંતો સીધી રીતે કાંતો ચૂપચાપ અને ચાલાક મિલિભગતથી પહેરવા, ખાવા જેવી બાબતોના નિયંત્રણો દ્વારા સાંસ્કૃતિક વ્યવહારની બાબતોને મોટી બનાવી રજૂ કરી છે. આ કૃત્યોના પરિણામ સ્વરૂપે અત્યંત વિભાજનકારી સમાજનું નિર્માણ થયું અને તેના કેટલાક તત્વો સજા વિનાની હિંસા અને નફરતી હુમલામાં સામેલ થયા. જીવન, વિશ્વ અને અસ્તિત્વની મહાન લૌકિક દૃષ્ટિ જેને હિંદુવાદે સદીઓ સુધી જાળવી રાખ્યું હતું તેને એક સંકુચિત દૃષ્ટિમાં ફેરવી નાખવામાં આવ્યું છે અને ભારતીયોના એક મોટા ભાગ સાથે ‘અન્યો’ની જેમ વ્યવહાર કરવાની બાબતને દરરોજની વાત બનાવી દીધી છે. હિંસા ઝડપથી નવી નાગરિક શૈલી બની ગઇ છે. આ હિંસક વ્યવહાર ભારતીય સંસ્કૃતિના સારા આદર્શોની વિરૂદ્ધ છે. એ કોઇ સંયોગ નથી કે, મોદી સરકારે પાછલા ચાર વર્ષમાં કોઇ નવા સંસ્થાનને સ્થાપિત કર્યું નથી પણ આ એક એવો સમયગાળો છે જેમાં મૂલ્યવાન સંસ્થાઓને ઇર્ષ્યાવશ નાશ કરી દેવાઇ અને એવું કાંઇ નવું વિકસિત કરવામાં આવ્યું નથી જે મૂલ્યવાન હોય.

સર્વે બાદ ભાજપ-RSSમાં ભૂકંપ, સંઘે બેઠક બોલાવી
સામાન્ય ચૂંટણીઓ માટે આશરે એક વર્ષ બાકી રહ્યું છે પરંતુ ભાજપની સાથે-સાથે હવે સંઘ પણ ચૂંટણી મોડમાં આવી રહ્યું છે. ૨૦૧૯ની ચૂંટણી રણનીતિ બનાવવા માટે ભાજપ અન સંઘની બે દિવસીય બેઠક યોજાશે. આ બેઠક દિલ્હીમાં ૨૮મીથી ૩૧મી મે સુધી આયોજિત કરવામાં આવશે. બેઠકમાં ભાજપના તથા સંઘના મોટા નેતાઓ ઉપરાંત પ્રચારકો હાજર રહે તેવી સંભાવના છે. સંઘનું માનવું છે કે, ૨૦૧૯માં આર્થિક, સુરક્ષા અને શિક્ષણ મુખ્ય મુદ્દા રહેશે તેથી મોદી સરકારે વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ બેઠકની આગેવાની સંઘના સહકાર્યવાહક દત્તાત્રેય હોશબોલે અને કૃષ્ણા ગોપાલ કરશે.

એમપી-રાજસ્થાનમાં પણ ભાજપના હાથમાંથી સત્તા સરકી રહી છે : તારણ
કર્ણાટકમાં ભાજપને આકરો આંચકો લાગ્યો છે. ૧૫મી મેએ આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવતા રાજ્યપાલ વજુભાઇ વાળાએ તેને સરકાર રચવા આમંત્રણ આપ્યું. જોકે, ભારે વિરોધ બાદ આખરે કોંગ્રેસ-જેડીએસની સરકાર રચાઇ હતી અને ભાજપની ૫૫ કલાકની સરકાર ધરાશાયી થઇ હતી. બીજી તરફ ભાજપને રાજસ્થાન અને એમપીમાં પણ બહુમતી નહીં મળે તેવા સર્વેથી મોદી મોવળીમંડળની ઊંઘ હરામ થઇ છે. બંને રાજ્યોમાં હાલ ભાજપની સરકાર છે. બંને રાજ્યોમાં સર્વે પ્રમાણે કોંગ્રેસની સરકાર રચાઇ રહી છે. સર્વેમાં કહેવાયું છે કે, રાજસ્થાનમાં વસુંધરા રાજે અને એમપીમાં શિવરાજની સરકાર કેટલાક દિવસની મહેમાન છે. મધ્યપ્રદેશમાં ભાજપની મતભાગીદારી ૩૪ ટકા અને કોંગ્રેસને અહીં ૪૯ ટકા મતભાગીદારી મળી રહી છે. જ્યારે ભાજપને રાજસ્થાનમાં ૩૯ ટકા મતભાગીદારી અને કોંગ્રેસને ૪૪ ટકા મતભાગીદારી મળી રહી છે.