(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન મોદીના એ દાવાનું સમર્થન કર્યું હતું જેમાં તેઓ કહેતા રહે છે કે, કોંગ્રેસના ૭૦ વર્ષના શાસનમાં જે નથી થયું તે ભાજપે ફક્ત ચાર વર્ષના શાસનમાં હાંસલ કર્યું છે. રાહુલ ગાંધીએ ભાજપની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ સાચી વાત છે. રાહુલે કહ્યું કે, નફરત ફેલાવાય છે, એક ભારતીયને બીજા ભારતીય સાથે લડાવાય છે. રૂપિયો છેલ્લા ૭૦ વર્ષમાં સૌથી નબળો થયો છે. ઈંધણોના ભાવો આસમાને છે. રાંધણગેસના સિલિન્ડરોના ભાવો રૂપિયા ૮૦૦થી પણ વધુ થઇ ગયા છે. દેશમાં ભાગલા પાડવામાં આવી રહ્યા છે દેશના લોકો થાકી ગયા છે. દેશનો યુવાન પણ થાકી ગયો છે. દિલ્હીના રામલીલા મેદાન ખાતે ઇંધણોના ભાવોમાં ધરખમ વધારાના વિરોધમાં રખાયેલા ભારત બંધ દરમિયાન રાહુલ ગાંધીએ સંબોધનમાં મોદી સરકાર પર આકરા ચાબખાં માર્યા હતા. ઉલ્લેખનીય છે કે પેટ્રોલના ભાવો આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણોના ભાવો કરતા પણ ભારતમાં વધુ ઝડપથી વધી રહ્યા છે જ્યારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાએ ૭૨.૬૭ રૂપિયાની નવી નીચલી સપાટી બનાવી છે. કોંગ્રેસના બંધને આશરે ૨૦ જેટલા પક્ષોએ ટેકો આપ્યો હતો પણ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી તથા મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસે ટેકો આપ્યો નહોતો. માતા સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાથે રાજઘાટ ખાતે ગાંધીજીની સમાધિ પર ગયેલા રાહુલ ગાંધીએ ઇંધણોના ભાવો અને રાફેલ જેટના સોદા અંગે વડાપ્રધાનના મૌન સામે સવાલો કર્યા હતા. તેઓ ઘણું બોલે છે પણ કોઇપણ સવાલનો જવાબ આપતા નથી. નાના ઉદ્યોગો નાશ પામ્યા છે અને અત્યારસુધી કોઇને નથી ખબર કે નોટબંધી શા માટે કરાઇ હતી. ઘણા લોકોએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ દાખવ્યો હતો. અત્યારે ભાજપના શાસનને ચાર વર્ષ પુરા થઇ ગયા છે અને હજુ પણ લોકો સમજી શક્યા નથી કે ભાજપે શું કર્યું છે. દેશ શું સાંભળવા માગે છે, યુવા શું સાંભળવા માગે છે તે વિશે નરેન્દ્ર મોદી વાત કરતા નથી. તેઓ કઇ દુનિયામાં જીવી રહ્યા છે, તેઓ ભાષણ આપ્યા કરે છે અને દેશના લોકો તેમને જોઇને કંટાળી ગયા છે.