(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૮
ખંભાત નડિયાદ મુખ્ય ધોરીમાર્ગ નં.૭૬ પર પેટલાદ એમજીવીસીએલ પાસે આવેલા રેલવે ફાટક નં.૨૮ પર ઓવરબ્રીજ બનાવવાનું કામ સાડા ત્રણ વર્ષ અગાઉ હાથ ધરાયું હતું. માત્ર ૨૫ ટકા કામગીરી પૂર્ણ થયા બાદ કોઇ કારણસર રેલવે તંત્ર એ કામ અટાકાવી દેતાં બે વર્ષથી કામ ખોરંભે પડ્‌યું છે. રેલેવ ફાટક બંધ કરીને પેટલાદ શહેરમાં ડાયવર્ઝન અપાતા ટ્રાફિકની સમસ્યા અને વાહનોના કારણે ઉડતી ધૂળની રજકણોને પગલે નગરજનોના સ્વાસ્થય સાથે ચેડાં આ ઉપરાંત ડાયવર્ઝનના પગલે વાહનચાલકો ટ્રાફિક અને ઇંધણનો વ્યય વધી ગયો છે. જેના કારણે નડિયાદ – આણંદ તરફ અવર-જવર કરતા વાહન ચાલકો હેરાન-પરેશાન થવા સાથે વિદ્યાર્થીઓને પણ શાળા-કોલેજોમાં જવામાં હાલાકી વેઠવી પડે છે.જેના કારણે પેટલાદ શહેર સહિત પંથકની જનતામાં ભારે રોષ જોવા મળ્યો છે. અગામી ૧૪મી જૂન સુધી પ્રશ્ન હલ નહી થાય તો પેટલાદના નાગરિક સમિતિ અને પ્રતિનિઘી મંડળ દ્વારા ૧૫મી જૂને રેલ રોકો આંદોલન ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે જિલ્લા પંચાયતનાં સભ્ય વિજ્ઞાત્રીબેન પટેલએ જઁણાવ્યું હતું કે ભાજપનાં શાસનમાં છેલ્લા લાંબા સમયથી ઓવરબ્રીજનું કામ ખોરંભે પડતા લોકો હાલાકીમાં મુકાયા છે,અને અવરજવર કરવા માટે લાંબુ ચક્કર મારવું પડે છે,તેનાં કારણે ડાયવરઝનનાં માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ રહી છે.
આ અંગે પેટલાદ નગરપાલિકાનાં ચીફ ઓફીસર હિરલબેન ઠાકરએ જણાવ્યું હતું કે ઓવરબ્રીજનાં કારણે ડાયવર્ઝનનો જે માર્ગ આપવામાં આવ્યો છે,તે પેટલાદ શહેરની મધ્યમાં થઈને પસાર થાય છે,જેનાં કારણે છાસવારે ટ્રાફિકજામ સર્જાય છે,અને જેનાં કારણે લોકો હાલાકી અનુભવી રહ્યા છે,જે અંગે નગરપાલિકા દ્વારા કલેકટર દિલીપ રાણાને રજુઆત કરવામાં આવી છે.
તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનેલ ભાજપના સંસદસભ્ય મિતેશભાઈ પટેલે છેલ્લાં ઘણા સમયથી અટકેલ પેટલાદ ઓવરબ્રીજના પ્રશ્નનો ઉકેલ સત્વરે આવે તે માટે આ બાબતને પ્રાધાન્ય આપવાની હૈયાધારણા આપી હતી.
આ અંગે પશ્ચિમ રેલ્વે વડોદરા ડીવીઝનનાં જનસંપર્ક અધિકારી ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે જનતા હિતમાં રેલવે ફાટક નં ૨૮ રેલવે તંત્ર ખોલવા માટે તૈયાર છે.તે માટે ગર્વમેન્ટના અધિકારી કલેકટર લખીને આપે કે રેલવે ફાટક ખોલી નાખો તે માટેનો જે કંઇ ખર્ચ છે. તે સરકાર આપશે.તે માટે રેલવે તંત્રે કલેકટરને લેખિતમાં જાણ પણ કરી છે.તેઓની મંજૂરી મળતા ફાટક ખોલવામાં આવશે
પશ્વિમ રેલ્વેના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રેલવે ઓવરબ્રીજનું કામ સ્ટેટ ગર્વમેન્ટના કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ તે કોન્ટ્રાકટર બ્લેક લીસ્ટ આવી જતાં તેણે કામ છોડી દીધું છે.જેથી સ્ટેટ ગર્વમેન્ટ પુનઃ ટેન્ટર બહાર પાડીને નવી એજન્સીને કામ આપીને કામ શરૂ કરવું જોઇએ.રેલવે તો માત્ર તેની દેખરેખ હેઠળ ઓવરબ્રીજ બનાવવાની જવાદારી છે.