(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૨
રાધનપુર તાલુકાના મહેમદાવાદ-કોલ્હાપુર માર્ગ ઉપર આવેલ રેલવે ફાટક બંધ કરવામાં આવી છે, જે ચાલુ કરવા માટે અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આજે ત્રસ્ત બનેલા ગ્રામજનોએ રેલવે ટ્રેક પર સૂઈ જઈ રેલ રોકો આંદોલન કરતા રેલવેના અધિકારીઓે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. પાલનપુર-ગાંધીધામમાં રેલવે લાઈનમાં બીજી ટ્રેક નાખવાનું કામ શરૂ કરવામાં આવેલ છે. જેમના અનુસંધાને મહેમદાવાદ અને કોલ્હાપુર ગામના જૂના માર્ગ પર આવેલ રેલવે ફાટક નં.૯૪-સી રેલવે ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવેલ છે. રેલવે ઓથોરિટી દ્વારા ફાટક બંધ કરવામાં આવતા ફાટક ખોલાવવા મહેમદાવાદ તેમજ કોલ્હાપુરના ગ્રામજનોએ રેલવે તથા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆતો કરી હતી, પરંતુ રેલવે ઓથોરિટી દ્વારા ફાટક ખોલવા બાબતે કોઈ જ કામગીરી કરવામાં ના આવતા છેલ્લે ગ્રામજનોએ આંદોલન કરવાની ધમકી ઉચ્ચારી રજૂઆત કરી હતી, પરંતુ રેલવે દ્વારા ફાટક ખોલવામાં ન આવતા આજે સવારે મહેમદાવાદ ગામની મહિલાઓ સહિત બસોથી વધુ માણસો રેલવે પાટા પર આવી સૂઈ ગયા હતા અને ગાંધીધામથી પાલનપુર તરફ જતી માલગાડી રોકી બંધ કરેલ ફાટક ખોલોના સૂત્રોચ્ચાર કર્યા હતા. ગાંધીધામથી પાલનપુર તરફ જતી માલગાડી ગ્રામજનોએ રોકી હોવાના સમાચાર મળતા રેલવે પોલીસના જવાનો દોડી આવ્યા હતા. પોલીસ અને રેલવે અધિકારીઓની સમજાવટ બાદ લોકોએ રોકેલી રેલવે જવા દીધી હતી અને રેલવે સ્ટેશન આવીને રેલવેના એમડીને ફાટક ખોલાવવા બાબતે લેખિત રજૂઆત કરવાની વાત ગામના સરપંચને સમજાવતા અંતે મામલો થાળે પડ્યો હતો.