અમદાવાદ,તા. ૧૦
કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયેલે તેમના હોદ્દાનો ચાર્જ સંભાળ્યા બાદ રેલ્વે બોર્ડના સલામતી નિર્દેશાલયના સદસ્યો સાથે ખૂબ મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કેન્દ્રીય રેલમંત્રીએ સ્પષ્ટ કરી દીધુ હતું કે, રેલ્વેમાં મુસાફરી કરતાં પ્રવાસીઓની સલામતીના મુદ્દે કોઇ બાંધછોડ નહી થાય. પ્રવાસીઓની સલામતીના મુદ્દા પર કોઇપણ સમજૂતી નહી કરી શકાય કે થવી પણ ના જોઇએ. પ્રવાસીઓની સલામતી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બેઠકમાં રેલ્વે અકસ્માતો પાછળ ચોકીદાર રહિત સમપાર ફાટક અને રેલ્વેના પાટાઓમાં ખરાબીથી ટ્રેન ઉથલી પડવાના કારણો મુખ્ય જવાબદાર પરિબળ તરીકે દર્શાવાયા હતા. કેન્દ્રીય રેલ્વેમંત્રી સાથેની સમીક્ષા બેઠકમાં રેલ્વેના અધિકારીઓએ સલામતીના મુદ્દે વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. બેઠકનો મુખ્ય મુદ્દો રેલ્વે પરિચાલનમાં પ્રવાસીઓની સલામતી અને ઉપાયો ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. બેઠકમાં ટ્રેન પાટા પરથી ઉતરવાના કારણો અને થઇ રહેલા આ પ્રકારના અકસ્માતો ઘટાડવાના ઉપાયો અંગે પણ ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી.
પાટા પરથી ટ્રેન ઉતરી જવાના કિસ્સાઓમાં તેમ જ ચોકીદાર રહિત સમપાર ફાટકના જે મુખ્ય પરિબળો સામે આવ્યા તેને કેન્દ્રીય રેલ્વેમંત્રીએ ગંભીરતાથી લીધા હતા અને આ મામલે જરૂરી આદેશો તંત્ર અને અધિકારીઓને જારી કર્યા હતા. વધુમાં રેલ્વેમંત્રીએ આ એકશન પ્લાનને સમયસર એકશનમાં મૂકવા રેલ્વે બોર્ડને કડક તાકીદ કરી હતી.
રેલમંત્રી દ્વારા જારી હુકમો

(૧) ભારતીય રેલ્વે નેટવર્કના હાલના તમામ ચોકીદાર રહિત ફાટકોને આજથી એક વર્ષમાં ઝડપથી ખસેડી લેવાશે.
(૨) ટ્રેક રિપ્લેસમેન્ટ અને રિન્યુઅલને પ્રાથમિકતા આપવામાં આવે
(૩) નવા રેલ્વે ટ્રેક લાઇનના નિર્માણ માટે સૂચિત કરવામાં આવેલા ટ્રેક કે રેલને એ જગ્યાએ ઉપયોગમાં લાવવામાં આવે કે જયાં ટ્રેક-રેલ બદલવા જરૂરી છે અને મોટા અકસ્માતની આશંકા રહેલી હોય
(૪) નવી રેલ્વેની ખરીદી ઝડપથી પૂર્ણ કરાશે, જેથી નવી રેલ લાઇનનું સમયસર નિર્માણ કરી શકાય
(૫) પારંપરિક આઇસીએફ ડિઝાઇનના કોચનું નિર્માણ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે તથા નવા ડિઝાઇનવાળા એલએચબી કોચનું નિર્માણ કરવામાં આવે
(૬) લોકોમોટીવમાં એંટી ફઓગ એલઇડી લાઇટો લગાડવામાં આવે કે જેનાથી ધુંધળા વાતાવરણમાં સુરક્ષિત રીતે ટ્રેન પરિચાલન કોઇપણ બાધ વગર થઇ શકે.