વડોદરા,તા.૨૦
અલગ-અલગ ટ્રેનના ટાઇમ ટેબલ બદલાતા દુરંતો એક્સપ્રેસના ૨૫ જેટલા મુસાફરો ટ્રેન ચૂકી ગયા હતા. ટ્રેન નીકળી જતાં મુસાફરોએ વડોદરા રેલવે સ્ટેશન પર હોબાળો મચાવી મુક્યો હતો. જોકે, રેલવે તંત્ર દ્વારા તમામ મુસાફરોને કર્ણાવતી એક્સપ્રેસમાં જવાની વ્યવસ્થા કરી દેવાતા મામલો થાળે પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઇન્દોરથી મુંબઇ તરફ જતી દુરંતો એક્સપ્રેસમાં ૨૫ મુસાફરોએ વડોદરાથી મુંબઇ સુધીની ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી. જ્યારે મુસાફરોએ ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી. તે સમયે વડોદરા સ્ટેશન પર દુરંતો એક્સપ્રેસ આવવાનો સમય સવારે ૫ઃ૫૩ કલાકનો અને ઉપડવાનો સમય ૬ઃ૦૩ કલાકનો હતો. જેથી ઓન લાઇન ટિકિટ લેનાર મુસાફરો ટિકિટમાં દર્શાવેલા સમયે સ્ટેશન ઉપર આવ્યા હતા.
રેલવે તંત્ર દ્વારા તાજેતરમાં ટ્રેનોના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં દુરંતો એક્સપ્રેસનો વડોદરા આવવાનો સમય સવારે ૫ઃ૧૯ કલાક અને ઉપડવાનો સમય ૫ઃ૩૦ કરવામાં આવ્યો હતો. જેથી ઓનલાઇન ટિકિટ લેનાર મુસાફરો વડોદરા સ્ટેશન ઉપર આવ્યા તે પહેલા જ બદલાયેલા રેલવે ટ્રેનના સમય પત્રકના કારણે દુરંતો એક્સપ્રેસ રવાના થઇ ગઇ હતી. પરિણામે ૨૫ જેટલા મુસાફરો અટવાઇ પડ્યા હતા. દુરંતો એક્સપ્રેસ બદલાયેલા સમય પ્રમાણે રવાના થતાં રહી ગયેલા મુસાફરોએ હોબાળો મચાવી મુક્યો હતો.