(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૧
જે રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ ઉપર ૩ કલાક ઉપરાંત સમય બાદ ટ્રેન આવતી હશે તેવા રેલ્વે સ્ટેશનો ઉપર લગ્નપ્રસંગ, રીપ્સેશન, બર્થ-ડે પાર્ટી, એક્ઝીબીશન જેવા કાર્યક્રમો માટે રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ પરિસરનો વિસ્તાર ભાડે આપવાનું ભારતીય રેલ મંત્રાલય દ્વારા નક્કી કરાયું છે. આ હવે ઇન્વીટેશન કાર્ડ અને લગ્નની કંકોત્રી ઉપર સ્થળ તરીકે રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મનો ઉલ્લેખ મળે તો આશ્ચર્ય પામતા નહીં. વડોદરા ડિવીઝનમાં આવતા રેલ્વે સ્ટેશન પર ભાડે આપવામાં આવશે. જે અંગે લેખીત અરજી વડોદરા રેલ્વે ડિવીઝન પ્રતાપનગર ખાતે કોમર્શીયલ વિભાગમાં કરવાની રહેશે. વડોદરા રેલ્વે દ્વારા આ અંગે રેલ્વે બોર્ડનાં સત્તાવાર સમર્થન માંગવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ યોજના ગત વર્ષે ઓગષ્ટ મહિનામાં રેલ્વે બોર્ડ દ્વારા જાહેર કરાઇ હતી. પરંતુ તેનો બહોળો પ્રચાર થયો ન હતો. તેમજ નિયમો પણ કડક હોવાથી કોઇ આવતું ન હતું. ઉલ્લેખનીય છે કે, વડોદરા એરપોર્ટ બિલ્ડીંગ સામાજીક પ્રસંગ માટે ભાડે અપાઇ છે. આમ હવે રેલ્વે સ્ટેશન ઉપર લગ્નની શરણાઇ સાંભળવા મળી શકે છે. વડોદરા રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નં.૬ અંગે વિચારણા ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટને પગલે આ વિસ્તાર પ્રસંગ માટે આપું કે કેમ તે થઇ શક્યું નથી. રેલ મંત્રાલય દ્વારા ખાસ કરીને ૩ કલાક સુધી જે સ્ટેશન ઉપર ટ્રેન ન આવતી હોઇ તેવા સ્ટેશનોને પ્રાથમિકતા આપવામાં જણાવવામાં આવ્યું છે. વડોદરા ડિવીઝનમાં આવેલા નાના રેલ્વે સ્ટેશનો સર્ક્યુલેટિંગ એરીયા લગ્ન પ્રસંગ કોઇ પણ ફંકશન અને એક્ઝીબીશન માટે ૨થી ૨૦ દિવસ સુધી ભાડે મળી શકશે તેમ વડોદરાનાં સી.ડી.સી.એમ. ડા. જીનીયા ગુપ્તાએ જણાવ્યું હતું.