(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૨
સને ૧૯૫૫થી અટવાયેલા પાટણ કાંસા-ભીલડી રેલવે ટ્રેકને સાકાર થવાના શુભ સંજોગો સાકાર થયા છે. પાટણ નજીક રેલવે અને પુરાતત્ત્વ વિભાગ માટે જરૂરી જમીનનો તબાદબોની સમજૂતિ થઈ જતો હવે પાટણની દાયકાઓ પુરાણી માગણી પૂરી થઈ છે અને આ દિશામાં એક ઐતિહાસિક સફળતા હાંસલ થઈ છે. પ૦ કિ.મી.ની રેલવે લાઈન આગામી મહિનાઓમાં સાકાર થશે. આ મહત્ત્વપૂર્ણ પ્રકલ્પ માટે પાટણ વિકાસ પરિષદની પહેલ અને અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકીના પ્રયાસોને ઐતિહાસિક સફળતા મળી છે. જેના ભાગરૂપે આજે પાટણ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, રાણકીવાવ અને સહસ્ત્રબીગ તળાવના પુરાતત્ત્વીય સ્મારકોને કારણે આ પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો હતો પણ આ બંને વિભાગો વચ્ચે સમજૂતિ થતાં રેલવે દ્વારા સમાલપાટીમાં આવેલ એએસઆઈને ૫૬૬ સ્કેવર મીટર જમીન એએસઆઈને અપાશે અને એએસઆઈ તેની માલિકી પ૬૬ ચો.મી. જમીન રેલવે આપશે. જેનાથી રેલવે લાઈન બિછાવવાની સરળ અને સુગમ વ્યવસ્થા કરી શકાશે. બંને વિભાગો તેમના હસ્તકની રૂા.૪૬,૬૯,૫૦૦ કિંમતની જમીનનું એક-બીજાને હસ્તાંતરણ કરાશે અને જેનાથી કાંસા-ભીલડી રેલવે પ્રોજેક્ટ આગામી સમયમાં પૂર્ણ કરી શકાશે. પાટણના કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, આ શુભ ઘટના પાટણના વિકાસને નવી ઊંચાઈ સુધી લઈ જશે અને પાટણ જિલ્લાની આવતીકાલ ઉજ્જવળ અને વિકાસશીલ બની રહેશે. પાટણને હાઈવે અને રેલવે મળવાથી વિકાસની ગતિ આગળ વધશે. પાટણ વિકાસ પરિષદના પ્રમુખ દેવજીભાઈ પરમાર, કાર્યવાહક હર્ષદભાઈ ખમાર અને યતિનભાઈ ગાંધીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કરી ડૉ.કિરીટભાઈ સોલંકીના પ્રશસ્ય સહયોગને બિરદાવ્યો હતો. વેપારી મંડળના મહાસુખભાઈ મોદી, વિકાસ પરિષદના મહામંત્રી દિલીપભાઈ સુખડિયા, ફારૂકભાઈ મન્સુરી, કેશવલાલ ઠક્કર, નરેશ પરમાર, પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્ના, કિશોરભાઈ મહેશ્વરી, અરૂણભાઈ સાધુ, વિનોદ કરલિયા, રેલવે કાર્યપાલક ઈજનેર ગૌતમજી, ઈન્ચાર્જ ધીરેનજી, પ્રાંત ઓફિસર દલપત ટાંક અને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.