(એજન્સી) તા.૨૩
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપ શિવસેના મહારાષ્ટ્રમાં ખંડિત વિપક્ષોનો અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો સંપૂર્ણ લાભ ઉઠાવીને મોટા ભાગની બેઠકો જીતી હતી. પરંતુ ભાજપ વિરોધી બાજુએ એક સ્પષ્ટ વિજેતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (મનસે) વડા રાજ ઠાકરે હતા કે જેમણે પોતાની વક્તૃત્વ સ્કિલ દ્વારા મોદી વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી.
જો કે આ ચૂંટણીમાં મનસેએ કોઇ ઉમેદવારો ઊભા રાખ્યા ન હતા પરંતુ રાજ ઠાકરેએ ધુંઆધાર પ્રચાર કરીને પોતાની રાજકીય પ્રસ્તુતતા ફરી એકવાર પાટે ચડાવી હતી. વિરોધ પક્ષોના નેતાઓને સંગઠિત કરવાના પ્રયાસના કેટલાક અઠવાડિયા બાદ રાજ ઠાકરેને એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ તરફથી સમન્સ મળ્યાં હતા. ગુરુવારે તેઓ ઇડી સમક્ષ હાજર પણ થયા હતા.
હવે જ્યારે વિધાનસભા ચૂંટણી આડે થોડા મહિના બાકી છે ત્યારે આ સમન્સ ઠાકરેને પોતાના ભાજપના રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા છે એવું બતાવવાની તક મળી જશે. આમ રાજ્ય વિધાસનભામાં મનસે તેમના નેતૃત્વમાં પોતાની બેઠકો વધારી શકશે. રાજ ઠાકરેને તાજેતરમાં એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ તરફથી મળેલ સમન્સને કારણે ભાજપ શિવસેના માટે મુશ્કેલી ઊભી થઇ શકે છે.
કોંગ્રેસના માહારાષ્ટ્રના પ્રમુખ બાલાસાહેબ ખોરાટ અને સ્વાભિમાની સેતકરી સંગઠનના નેતા રાજુ શેટ્ટીએ પણ ઇડીની નોટિસ અને સમન્સના સમય સામે પ્રશ્નો ઉઠાવ્યાં છે. મુખ્ય પ્રધાન ફડનવીસે કિન્નાખોરીના આક્ષેપોને ફગાવી દેતાં જણાવ્યું હતું કે તેમણે મીડિયા દ્વારા જ ઇડી સમન્સ અંગે સાંભળ્યું હતુ. રાજ ઠાકરે અગાઉ શિવસેના સાથે જ હતા. ૨૦૦૬માં તેમણે શિવસેનાથી અલગ પડીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના કરી હતી અને તેના કારણે ભાજપ-શિવસેનાના સંબંધો પ્રભાવિત થઇ શકે છે.