(એજન્સી) તા.૧૦
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે મોદી સરકાર સામે બરાબર બગડ્યા હતા. તેમણે એક પછી એક મોદી સરકાર અને ભાજપ સામે આકરા ઘા કરતાં સવાલો કર્યા હતા કે શું આ તમારી સરકાર છે ? જે દરેક વખતે લોકોને મૂર્ખ બનાવતી રહે છે ? શું આવા તમારા વડાપ્રધાન છે ? જે જૂઠ જ બોલે છે. મુંબઇમાં એક જાહેર સભાને સંબોધતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે મેં વર્ષો પહેલા જ લોકોને ચેતવણી આપી હતી કે વડાપ્રધાન મોદી એકને એક દિવસે યુદ્ધ જેવી સ્થિતિ પરિસ્થિતિ ઊભી કરી દેશે. ભાજપ સરકારને સત્તામાંથી બહાર ઊખાડી ફેંકી દેવાનું આહ્‌વાન કરતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને અમિત શાહની જોડી દેશ માટે ઘાતક છે. તેમણે પુલવામા આતંકી હુમલા વિશે સવાલ ઊભો કરતાં કહ્યું કે આ હુમલો ઘાતક આરડીએક્સની મદદથી કરાયો હતો. મારો સવાલ તો એ છે કે આ આરડીએક્સ આટલા મોટા જથ્થામાં દેશમાં પહોંચ્યો કઈ રીતે ? તેની પાછળ કોણ જવાબદાર છે ? તેમણે કહ્યું કે બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરવાની જરુર જ કેમ પડી ? તેમણે વડાપ્રધાન મોદી પર તીખા પ્રહાર કરતાં આ ટિપ્પણી કરી હતી. રાજ ઠાકરેએ વડાપ્રધાન મોદીને જ આડેહાથ લેતાં કહ્યું હતું કે તેઓ બોલે તો ઘણું બધું છે પણ તેઓ એક પણ સવાલના જવાબ જ આપતા નથી. ઉલટાનું સવાલ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે તેઓ જૂઠું જ બોલે છે. પુલવામા, આરડીએક્સ, એરસ્ટ્રાઇક અને બાલાકોટ વિશે વાત કરે છે તો તેઓ નોટબંધી પર જવાબ કેમ નથી આપતા ? હવે તેઓ નોટબંધી અને જીએસટીને મુદ્દો કેમ નથી બનાવતા ? તેના માધ્યમથી ચૂંટણીમાં જીતવાનો પ્રયાસ કેમ નથી કરતા ? તેમણે કહ્યું હતું કે મને એ બાબતમાં કોઇ શંકા નથી કે દેશ વિનાશ તરફ આગળ ધપી રહ્યો છે. મોદી-શાહ બંને દેશને વિનાશ તરફ દોરી રહ્યાં છે.