(એજન્સી) તા.૩૦
મહારાષ્ટ્રમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ આડે જ્યારે હવે એક મહિના કરતાં પણ ઓછો સમય છે ત્યારે રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપીના વડા શરદ પવારે પોતાની યાત્રાઓ દ્વારા તાજેતરમાં રાજ્યભરમાં ફરી વળ્યાં છે.
કોંગ્રેસ અને એનસીપીએ આ ચૂંટણી માટે ગઠબંધન જાહેર કર્યુ છે જ્યારે ભાજપ અને શિવસેના પણ હવે કોઇ પણ ક્ષણે બેઠક વહેચણી સંધિની જાહેરાત કરી શકે છે. જો કે મહારાષ્ટ્રમાંથી એક એવા અગ્રણી રાજકારણી છે કે જેમની ગેરહાજરીએ ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ઘણાને આશ્ચર્યમાં મૂકી દીધાં છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેની છેલ્લા એક મહિનાથી જોવા મળેલ ગેરહાજરીને કારણે તેમના રાજકીય ભાવિ અંગે અનેક અફવાઓ અને અટકળો વહેતી થઇ છે. ઉમેદવારી પત્ર ભરવામાં હવે માંડ એક સપ્તાહ બાકી છે.
મનસેના વડાનું છેલ્લું જાહેર નિવેદન ૨૨ ઓગસ્ટના રોજ આવ્યું હતું જ્યારે એક કંપનીના નાણાકીય વ્યવહારો સંબંધીત એક કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા તેમની ૯ કલાક કરતાં વધુ પૂછપરછ કરવામાં આવી હતી. ઇડીની તપાસ બાદ રાજ ઠાકરેએ ૨૨ ઓગસ્ટે ઘરે પરત જતી વખતે ગર્જના કરી હતી કે તેમને જે કરવું હોય તે કરે પરંતુ હું મારું મોં બંધ રાખીશ નહીં. ત્યારબાદ તેઓ ભાગ્યે જ જાહેરમાં દેખાયા છે અને કોઇ જાહેર નિવેદન કર્યુ નથી કે કોઇ પત્રકાર પરિષદને સંબોધી નથી કે કોઇ જાહેરસભામાં પણ દેખાતા નથી.
ઓગસ્ટના આરંભે રાજ ઠાકરેએ એવી જાહેરાત કરી હતી કે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં મુંબઇ ખાતે ઇવીએમ વિરુદ્ધ એક ભવ્ય વિપક્ષી મોરચાનું આયોજન કરવામાં આવશે પરંતુ તેનું આયોજન થયું ન હતું. એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવારે વ્યંગ કરતાં જણાવ્યું હતું કે તમે રાજ ઠાકરે તરફ જુઓ ઇડી નોટિસ બાદ લોકો આ રીતે ચૂપ થઇ જાય છે. થોડા સપ્તાહ પૂર્વે રાજ ઠાકરેએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. મુંબઇના મનસેના એક નેતાએ પોતાની ઓળખ નહીં જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે અમે લોકસભા ચૂંટણી પણ લડી ન હતી. ઠાકરેએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પણ લડી ન હતી પરંતુ ભાજપ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહ વિરુદ્ધ પોતાની અદ્વિતીય રેલી દ્વારા ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.