બિહારના છપરામાં મોબ લિંચિંગ બાદ રાજસ્થાનના અલવર જિલ્લામાં પણ આવો જ મામલો બહાર આવ્યો છે. પ્રાપ્ત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અલવરના ઝિરાના ગામમાં પુરપાટ આવી રહેલી એક બાઇકે વૃદ્ધ મહિલાને ટક્કર મારી હતી. ત્યાર પછી ગ્રામીણોએ બાઇક સવાર ૨૮ વર્ષીય યુવકને ભાર માર મારીને મારી નાખ્યો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૨૮ વર્ષીય હરીશ જાટવ ૧૮મી જુલાઇએ ગુરૂવારે બાઇકથી ઝિરાના ગામમાંથી પસાર થઇ રહ્યો હતો. ઓચિંતા બાઇક પર તેણે પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો અને વૃદ્ધ મહિલાને ટક્કર મારી હતી. આ ઘટનામાં વૃદ્ધ મહિલાને ભારે ઇજા થઇ છે. વૃદ્ધ મહિલા ઘવાતા ગ્રામીણો ઉશ્કેરાઇ ગયા હતા અને તેઓએ હરીશ જાટવને પકડીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું. હરીશ ગંભીર રીતે ઘવાયો નહીં ત્યાં સુધી ગ્રામીણો તેને મારતા રહ્યા. ગંભીર રીતે ઘવાયેલા હરીશને કેટલાક લોકો સ્થાનિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલે રિફર કરવામાં આવ્યું હતું. જોકે, સારવાર દરમિયાન હરીશ જાટવનું મોત નીપજ્યું હતું. મામલાની જાણ થયા બાદ ચોપનકી પોલીસ મથકની પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પીડિત યુવક હરીશના પિતા રતિરામે જણાવ્યું કે ભૂલથી વૃદ્ધ મહિલાને ટક્કર લાગ્ય બાદ મારા પુત્રને ઢોર માર મારીના મારી નાખવામાં આવ્યો. મને ન્યાય જોઇએ. નજરે જોનારાઓએ જણાવ્યું કે જે લોકોએ હરીશને ઢોર માર માર્યો હતો તેઓ જ મામલાની ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે ગયા હતા. આ મામલાના સંદર્ભમાં કેસ પણ એ લોકોએ જ નોંધાવ્યો હતો. જોકે, આ વાતની પુષ્ટિ થઇ નથી.

બિહારના વૈશાલીમાં બેંક ચોરીના આરોપમાં બે લોકોને ટોળાએ ઢોર માર માર્યો, બંને હોસ્પિટલમાં દાખલ

બિહારમાં મોબ લિંચિંગનો વધુ એક મામલો બહાર આવ્યો છે. રાજ્યના વૈશાલીમાં એક બેંકમાં ચોરીની શંકાએ િંહંસક ટોળા દ્વારા બે લોકોને ઢોર માર મારવામાં આવ્યો છે. હિંસક ટોળા દ્વારા માર મારવામાં આવેલા બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.