(એજન્સી) જયપુર, તા.૨૫
રાજસ્થાનમાં એક તરફ જ્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યમાં થતી મોબ લિંચિંગની ઘટનાઓ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. અકબરખાન કે પહલુખાનની જ ગૌ-હત્યાની શંકામાં હત્યા કરવામાં નથી આવી, પરંતુ એવા ઘણા નામ છે જે ભીડની હિંસાનો શિકાર બન્યા છે.
અબ્દુલ ગફ્ફાર કુરૈશી :-
૩૦ મે, ર૦૧પના રોજ નાગૌર જિલ્લાના બિરલોકા ગામમાં ૬૦ વર્ષના અબ્દુલ ગફ્ફાર કુરૈશીની ભીડએ મારી-મારીને હત્યા કરી હતી. ગફ્ફારની માંસની દુકાન હતી. જેની સામે રહેતા અન્ય ધર્મના લોકોએ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. નાગૌરમાં લગભગ ર૦૦ ગાયોનાં મૃતદેહ મળ્યા બાદ વિસ્તારમાં તણાવની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ગફ્ફાર કુરૈશીને ભીડએ ઘેરી લોખંડના સળિયા, લાઠીઓ અને દંડાઓથી મારી હત્યા કરી હતી.
ઉમર મોહંમદ :-
અલવર જિલ્લાના રામગઢ તાલુકામાં ૧ર નવેમ્બર, ર૦૧૭ના રોજ કહેવાતા ગૌરક્ષકોને સૂચના મળી હતી કે, ઉમર મોહંમદ પોતાના એક સાથી સાથે વાનમાં ગાય લઈને જઈ રહ્યા છે, ત્યારબાદ ઉમરનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. નોંધનીય છે કે, તેઓ ડેરી ચલાવતા હતા અને તે માટે ભરતપુરથી ગાય લઈને આવી રહ્યા હતા.
તાલીમ હુસૈન :-
પ ડિસેમ્બર, ર૦૧૭ના રોજ ગાયના નામે વધુ એક હત્યા થઈ. હરિયાણાના મેવાતના નિવાસી ર૩ વર્ષના તાલીમ હુસૈન પોતાની વાનમાં હતા ત્યારે શહેરના બાહ્ય વિસ્તારોમાં કથિત ગૌ-તસ્કરીના નામે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે તેને અથડામણ ગણાવી પરંતુ સામાજિક સંગઠનો તેને એકપક્ષીય કાર્યવાહી ગણાવી રહ્યા છે. તાલીમના પરિવારે જણાવ્યું કે, તે વ્યવસાયે માત્ર એક વાહનચાલક હતો તેનો ગાયોના ખરીદ-વેચાણ સાથે કોઈ સંબંધ ન હતો.
પહલુખાન :-
૧ એપ્રિલ, ર૦૧૭ના રોજ અલવરમાં ગૌરક્ષકોની ભીડએ પપ વર્ષીય પહલુખાન પર હુમલો કર્યો. રાજસ્થાનથી ગાય ખરીદી હરિયાણા જતી વેળા પહલુખાન પર હુમલો કરવામાં આવ્યો હતો. કેરીના કારોબાર કરતા પહલુખાનને એટલો ઢોરમાર મારવામાં આવ્યો કે, બે દિવસની અંદર હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું. આ હત્યાઓ માત્ર ગૌ-તસ્કરી કે ગૌ-હત્યાની શંકાના આધારે કરવામાં આવી હતી. અકબરખાન પણ આવા જ ગૌરક્ષકોના ટોળાનો શિકાર બન્યા છે. રાજસ્થાનમાં ભીડએ માત્ર ગાયના નામે લોકોની હત્યા નથી કરી, પરંતુ કેટલાક સામાજિક કાર્યોમાં લાગેલા લોકોની તેમજ કેટલાક લોકોની તો વિના કારણે હત્યા કરી છે.
ઝફરખાન :-
પ્રતાપગઢ જિલ્લામાં ૧૬ જૂન, ર૦૧૭ના રોજ સામાજિક કાર્યકર્તા ઝફરખાને જ્યારે ખુલ્લામાં શૌચ કરી મહિલાઓની તસવીરો લેતા સફાઈ કર્મચારીઓને રોકયા તો તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો. જેના કારણે ઝફરખાનનું મૃત્યુ થયું હતું.
અફરાઝુલ :-
રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં મોહંમદ અફરાઝુલની ક્રૂર હત્યાને સમગ્ર દેશે જોઈ. બંગાળના રહીશ અફરાઝુલ પર શંભુએ કુલ્હાડીથી જીવલેણ ઘા કર્યા અને સાથે ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ પણ પ્રસારિત કર્યું. ઉલ્લેખનીય છે કે, પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આ જઘન્ય કૃત્ય બદલ શંભુની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી !
અહમદખાન :-
ર૭ સપ્ટેમ્બર, ર૦૧૭ના રોજ જેસલમેરમાં ૪૮ વર્ષીય અહમદખાનની હત્યાનો આરોપ ગામના પુજારી પર મૂકવામાં આવ્યો, છેલ્લા એક દાયકાથી લોકગાયક અહમદખાન મંદિરમાં ભજન ગાતા હતા. નવરાત્રીના અવસરે પુજારીએ અહમદને એક વિશેષ રાગ ગાવા કહ્યું હતું. જેનાથી પુજારીના શરીરમાં દેવી પ્રવેશે, પરંતુ ત્યારબાદ પુજારીએ દાવો કર્યો કે, અહમદખાને યોગ્ય રીતે ન કરતા દેવી તેના શરીરમાં પ્રવેશ્યા નહીં અને અહમદની ધોલાઈ કરી હતી.
વાસ્તવિકતામાં રાજસ્થાનના અલવર જિલ્લામાં મુસ્લિમોની વસ્તી મોટી સંખ્યામાં છે અને અહીં ગાયપાલન મુખ્ય વ્યવસાય છે. બીજી તરફ અલવરની નજીકના હરિયાણાના મેવાત જિલ્લામાંથી ગાયોની ખરીદ-વેચાણ માટે લોકો અહીં આવતા-જતા રહે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગાયોના વેપાર કરનારા મુસ્લિમો માટે અલવર નર્ક સમાન બની ગયું છે. આ ઘટનાઓ પાછળ આરોપીઓને રાજનૈતિક સંરક્ષણના સંકેતો પણ મળી રહ્યા છે ગત વર્ષે પહલુખાનની હત્યા બાદ સ્થાનિક ભાજપ ધારાસભ્ય સાતદેવ આહુજાએ જાહેર નિવેદન આપ્યું હતું કે, ‘જે ગાયની તસ્કરી કરશે, તે મરશે’ અને આ જ ભયંકર છબી અલવરની અને અમુક અંશે રાજસ્થાનની ઓળખ બની રહી છે.