જયપુર, તા.૧૧
રાજસ્થાનમાં કોંગ્રેસે ભલે સરકાર બનાવી લીધી હોય, પણ અંદરખાને ખુરશીની ખેંચતાણ હજુ પણ ચાલું જ છે. અત્યાર સુધી ઈશરાઓમાં એકબીજા પર હુમલો કરતાં સીએમ ગેહલોત અને સચિન પાયલોટ હવે ખુલીને આમને સામને આવી ગયા છે. સચિન પાયલોટે કહ્યું કે, જનતાએ અશોક ગેહલોતના નામ પર વોટ નથી આપ્યો અને આવો જ આરોપ અશોક ગેહલોત પણ સચિન પાયલોટ પર લગાવી રહ્યા છે.
બજેટ રજૂ કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં અશોક ગેહલોતે મુખ્યમંત્રી બન્યાના ૮ મહિના બાદ આખરે ડેપ્યુટી સીએમ સચિન પાયલોટને સાફ કરી દીધું કે, તે રાજસ્થાનના મુખ્યમંત્રી બનવાના સપનાં ન જોવે. ગેહલોતે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં લોકોએ તેમના નામ પર વોટ આપ્યા છે. તેમને મુખ્યમંત્રી બનાવવા માટે વોટ આપ્યા છે. અને એ માટે જ કોંગ્રેસ પાર્ટીએ મુખ્યમંત્રી બનાવ્યો છે. જે મુખ્યમંત્રી બનવાની દોડમાં ન હતા તે પણ હવે પોતાનું નામ આગળ લાવી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, અશોક ગેહલોત સચિન પાયલોટના મુખ્યમંત્રી બનવાના અભિયાનથી પરેશાન છે, અને બજેટ રજૂ કર્યા બાદ આ મુદ્દા પર તે આરપારના મૂડમાં છે. ગેહલોતે ઈશારામાં હાઈ કમાન્ડને પણ સાફ કરી દીધું છે કે, રાજસ્થાનનો બોસ હું છું. અહીં બે નેતા નહીં ચાલે, પણ પાંચ વર્ષ સુધી રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ રહીને વિધાનસભા ચૂંટણીનું નેતૃત્વ કરનાર યુવા નેતા સચિન પાયલોટ ક્યાં ચૂપ બેસવાના હતા. પાયલોટને લાગે છે કે, ૫ વર્ષ સુદી અમે મહેનત કરી અને જ્યારે મલાઈ ખાવાનો સમય આવ્યો તો ગેહલોત ટપકી પડ્યા. પાયલોટને લાગે છે કે, લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તેમને મોકો આપશે. પત્રકારોના સવાલ વગર જ પાયલોટે કહ્યું કે, રાજસ્થાનમાં સરકાર કાર્યકર્તાઓની મહેનતથી બની છે, અને રાહુલ ગાંધીના નામ પર બની છે. ન કે બીજા કોઈના નામ પર.