National

રાજસ્થાન હત્યા : મોતના ભયે બંગાળના ૧૦૦થી વધુ મુસ્લિમ કામદારો રાજસમંદ છોડી ભાગી ગયા

રાજસમંદ, તા. ૧૨
પશ્ચિમ બંગાળના માલદામાંથી મજૂરી કરવા આવેલા રાજસ્થાનમાં મોહંમદ અફરાઝુલની હત્યના એક અઠવાડિયાના ગાળામાં જ રાજસ્થાનના રાજસમંદમાંથી ૧૦૦થી વધુ મુસ્લિમ પરપ્રાંતિયો શહેર છોડીને પલાયન થઇ ગયા છે જેઓ મોતના ભયને કારણે પોતાના કામ છોડી ગયા છે. અન્ય લોકો પણ હજુ ભાગીજવાની તૈયારી કરી રહ્યા છે જેમના અધૂરા કામ બાકી છે અથવા કામના નાણા લેવાના બાકી છે. છ ડિસેમ્બરે ૪૮ વર્ષના મોહંમદ અફરાઝુલની હત્યા શંભૂલાલ નામના આરોપીએ કરી હતી. શંભૂ રાયગરે તેને કામના બહાને અજાણ્યા સ્થળે લઇ જઇ કુહાડીના ઘા ઝીંકીને જીવતો બાળી નાખી હત્યા કરી હતી. રાયગરે ત્યારબાદ પોતાના ૧૪ વર્ષના ભત્રીજા પાસે ઉતરાવેલા સમગ્ર ઘટનાના વીડીયોને વાઇરલ કર્યો હતો જેમાં તે મુસ્લિમો વિરૂદ્ધ બોલતો દેખાઇ રહ્યો હતો. તેણે વીડિયોમાં મુસ્લિમોને જિહાદી તરીકે સંબોધી નકલી નોટોના રેકેટ ચલાવનારા અને હિંદુ દેવીઓની ફિલ્મો બનાવનારા ગણાવ્યા હતા. એક વીડિયોમાં રાયગર કહે છે કે, તેણે હિંદુ મહિલાઓને લવ જિહાદમાંથી બચાવવા અફરાઝુલની હત્યા કરી છે. જોકે, રાજસ્થાન પોલીસે કેટલાક વર્ષ પહેલા અફરાઝુલ કોઇ હિંદુ યુવતીને ફોસલાવી ભગાડી ગયો હોવાના શંભૂના દાવાને રદિયો આપ્યો હતો. તેણે રાયગરના કોઇ હિંદુ જૂથ સાથે સંકળાયો હોવાના અહેવાલનો પણ રદિયો આપ્યો છે. આદરમિયાન અફરાઝુલના સાળાએ જણાવ્યું છે કે, સેંકડો લોકો હવે અહીથી પલાયન કરી રહ્યા છે અને તેમને ભય છે કે, અફરાઝુલ પછી ક્યાંક તેમનો વારો ન આવી જાય. અફરાઝુલના સાળા મુશર્રફનું કામ પત્યું નહોતું છતાં તે ભયના માર્યો રાજસમંદ છોડી જતો રહ્યો છે. અફરાઝુલ છેલ્લા બે દાયકાથી રાજસમંદમાં મજૂરી કામ કરી રહ્યો હતો. અંજુમન પીસ કમિટી ચલાવતા ફિરોઝખાન નામના એક વ્યક્તિએ જણાવ્યું કે, અમે કામદારોને છેલ્લા ૪૦ વર્ષથી એક સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, અહીં કોઇ ભયની વાત નથી. પરંતુ અમે તેમને હવે દબાણપૂર્વક અહીં રોકી શકતા નથી. તેમણે જે ઘટના જોઇ છે તેનાથી તેઓ ખુબ ગભરાઇ ગયા છે. અમારી બેઠકોમાં પોલીસ અધિકારીઓ પણ હાજર રહે છે પરંતુ તેઓ આ લોકોને કાયદો વ્યવસ્થા મજબૂત છે તેમ સમજાવવામાં નિષ્ફળ ગયા છે. હજુ પણ ઘણા કામદારો કામ છોડીને જઇ રહ્યા છે હવે ફક્ત એ લોકો જ રોકાયા છે જેમના લેણા બાકી છે. ફિરોઝખાને જણાવ્યું કે, છેલ્લા ૩૦ વર્ષથી માલદાના લોકો અહીં આવીને કામ કરી રહ્યા છે કેમ કે, તેઓ સ્થાનિક મજૂરો કરતા ઓછી મજૂરીએ કામ કરી રહ્યા છે અને ઘણી મહેનત પણ કરી રહ્યા છે તેથી તેમને કામ મળી રહે છે. રાજસમંદમાં પરપ્રાંતિઓનો કામ વધતા વધુ કામદારો આવી રહ્યા હતા અને તેમાંથી ઘણા તો લેબર કોન્ટ્રાકટર પણ બની ગયા છે.