(એજન્સી) જયપુર, તા.ર૮
રાજસ્થાનમાં પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં કોંગ્રેસે ર૬માંથી ૧૩ બેઠકો પર વિજય મેળવી લીધો છે. ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસી નેતાઓમાંં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં બીજેપીને ૧ર બેઠકો પર જ્યારે બોર્મરના બલોત્રાની બેઠક પરથી એક અપક્ષના ઉમેદવારે જીત મેળવી છે. જો કે રપ બેઠકોની ચૂંટણીનું પરિણામ આગામી સોમવારે જાહેર કરવામાં આવનાર છે. રાજ્યના બીજેપી પ્રમુખ અશોક પરનામીએ ટાંક્યું કે તેના પક્ષે અગાઉ જીતેલી બેઠકો પર પોતાની જીતને યથાવત્‌ રાખી છે. જેનો અર્થ એ છે કે, લોકો રાજ્ય સરકારની કામગીરીથી ખુશ છે. પ્રતાપગઢમાં જિલ્લા પરિષદની બે બેઠકોને ભાજપ-કોંગ્રેસે શેર કરી છે, જ્યારે પંચાયત સમિતિના ર૪ ઉમેદવારવાળી બેઠકોમાં ભાજપે ૧૧ જ્યારે કોંગ્રેસે ૧ર બેઠકો પર જીત મેળવી છે. પંચાયત સમિતિની ચૂંટણી અલવર, બરાન, બાર્મેર, ચિત્તોડગઢ, ચુરૂ, ડુંગરપુર, જયપુર, જેસલમેર, ઝાલાવાડ, ઝુઝુનુ, નાગોર, સવાઈ માઘોપુર, સિરોહી, શ્રીગંગાનગર અને ઉદેપુર જિલ્લામાં યોજાઈ હતી.
ઉત્સાહિત થયેલા રાજ્યના કોંગ્રેસ પ્રમુખ સચિન પાયલટે કહ્યું કે, ચૂંટણીના પરિણામોથી એ પ્રતિબિંબિત થાય છે કે બીજેપી સરકારે રાજ્યમાં ખેડૂત વિરોધી નીતિઓ અપનાવી છે. બીજેપીએ વર્ષ ર૦૧૩માં વિધાનસભાની ચૂંટણી પહેલાં તથા ચૂંટણીના સમયે અસંખ્ય વાયદાઓ કર્યા હતા, પરંતુ સત્તામાં આવ્યા બાદ તેણે વાયદાઓ પૂરા ના કરીને પ્રજાને દગો આપ્યો છે. બીજેપી સરકારે પ્રજા પર ભારણ વધાર્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે વિમુદ્રીકરણ અને જીએસટીના સમયે માત્ર સામાન્ય જનતા કે ખેડૂતોને જ નહીં પરંતુ નાના વેપારીઓ પર પણ તેની નકારાત્મક અસર પડી હતી.