(એજન્સી) નવી દિલ્હી, તા.રર
બિગબોસ નામના રિયાલિટી શો દરમિયાન કથિતરૂપે વાલ્મિકી સમાજની વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ રાજસ્થાનના ચૂરુમાં ફિલ્મ અભિનેતા સલમાનખાન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીની વિરૂદ્ધ આજે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ભારતીય દંડ સંહિતા અને એસસી-એસટી કાયદાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરવા અંગે ડેપ્યુટી એસપીની નિમણૂક કરવામાં આવી છે.
સલમાનની નવી ફિલ્મ ટાઈગર જિંદા હૈ હાલ ચર્ચામાં છે. પરંતુ રાજસ્થાનમાં સલમાનની વિરૂદ્ધ જોરદાર પ્રદર્શન ચાલુ થઈ ગયું છે. સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી પર વાલ્મિકી સમાજની વિરૂદ્ધ ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સલમાનખાન અને શિલ્પા શેટ્ટીના આ કેસમાં નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઈબે નોટિસ જારી કરતાં માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા દિલ્હી-મુંબઈના પોલીસ કમિશનર્સની પાસે સાત દિવસની અંદર જવાબ માંગ્યો છે. સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી પર વાલ્મીકી સમાજની વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂકાયો છે. જેને કારણે વિવાદ સર્જાયો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર સલમાન ખાનની ફિલ્મની વિરૂદ્ધ આ વિરોધ પ્રદર્શન વાલ્મિકી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. સલમાન ખાને ફિલ્મના પ્રમોશન દરમિયાન વાલ્મીકી સમાજ માટે જાતિય અને વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જાણકારી અનુસાર પોતાની ફિલ્મ ટાઈગર જિંદા હૈનું પ્રમોશન કરતી વખતે સલમાનખાને પોતાના ડાન્સનું ટેલેન્ટ માપતાં જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ઉપરાંત શિલ્પા શેટ્ટીએ પણ એ જણાવવા માટે કે તે ઘરે કેવી જોવા મળે છે, તેના માટે આ જ જાતિસૂચક શબ્દનો પ્રયોગ કર્યો. આ કેસમાં હવે આ બંનેની વાંધાજનક ટિપ્પણીને કારણે વાલ્મિકી સમાજ એકશન કમિટીના દિલ્હી અધ્યક્ષે પશ્ચિમ દિલ્હીના ડીસીપીને ફરિયાદ પત્ર સોંપ્યો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે દરેક પક્ષો પાસેથી અનુસૂચિત જાતિ અને જનજાતિ પર થતાં અત્યાચારને રોકવાના કાયદા ર૦૧પ હેઠળ એકશન ટેકન રિપોર્ટ માંગ્યો છે.