(એજન્સી) જયપુર, તા.૧પ
બોલિવૂડ નિર્દેશક સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી વિરૂદ્ધ થઈ રહેલા પ્રદર્શનોએ મંગળવારે હિંસક રૂપ ધારણ કરી લીધું હતું. રાજસ્થાનના કોટા શહેરમાં કરણી સેનાના કેટલાક સભ્યોએ એક સિનેમા હોલમાં તોડફોડ કરી. કરણી સેનાના સભ્યોની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે, કરણી સેનાના સભ્યો આકાશ થિયેટરના કાઉન્ટર અને બારીના કાચ તોડી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ થિયેટરમાં પદ્માવતી ફિલ્મનું ટ્રેલર દેખાડવામાં આવ્યું હતું. આ ઘટના બાદ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ જણાવ્યું કે, લોકશાહીમાં દરેકને વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે. જો કોઈ લોકશાહી ઢબે વિરોધ કરે તો કોઈને વાંધો નથી. જો તે કાયદો પોતાના હાથમાં લે તો તેને કાયદા હેઠળ સજા આપવામાં આવશે. મને જણાવવામાં આવ્યું છે કે, આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે મંગળવારે ફિલ્મ નિર્માતાઓને ફિલ્મના કન્ટેન્ટને લઈને શંકા છે, સેન્સર બોર્ડ તેને પાસ કરે તે પછી તેઓ ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કરણી સેનાએ થોડા સમય પહેલા પણ પદ્માવતી ફિલ્મના સેટ પર તોડફોડ કરી હતી અને નિર્દેશક ભણસાલી સાથે મારપીટ કરી હતી. કરણી સેનાનું કહેવું છે કે, પદ્માવતી ફિલ્મમાં રાજપૂત સમુદાયનું અપમાન કરવામાં આવ્યું છે અને તેમાં ઈતિહાસ સાથે ચેડાં કરવામાં આવ્યા છે જેથી તેમની લાગણીઓ દુભાઈ છે.